સહારા-બિરલા ડાયરી : મોદી સામે તપાસ નહીં
નવી દિલ્હી, તા. 11 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે રાહતરૂપ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે સહારા-બિરલાની ડાયરી મામલે તપાસની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે, મોદી તેમજ અન્યો વિરુદ્ધ જાંચ માટે પૂરતા પુરાવા નથી.

કોર્ટે અરજીને હાથ ધરવા માટે યોગ્ય ગણી નહોતી અને જણાવ્યું હતું કે, ભૂષણ દ્વારા રજૂ કરાયેલા કાગળો તપાસ માટે પૂરતા નથી. ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગના એક દરોડામાં સહારાની કચેરીમાંથી એક ડાયરી મળી હતી જેમાં 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને 2પ કરોડ રૂપિયા કથિતપણે અપાયા હતા. એ ઉપરાંત ત્રણ અન્ય મુખ્યમંત્રીના પણ તેમાં નામ હતા. આ ડાયરીને લઈને જ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી પર પ્રહારો કર્યા હતા.

મોદી સહિત કેટલાક રાજકારણીઓએ લાંચપેટે રૂપિયા લીધા હોવાના આરોપ સાથે બિનસરકારી સંસ્થાએ ગયા ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, જો સર્વોચ્ચ અદાલત આ મામલામાં તપાસના આદેશ નહીં આપે તો બીજી કોઈ તપાસ ન્યાયસંગત રહેશે નહીં.

સુપ્રીમે આ દસ્તાવેજોને શૂન્ય બતાવતાં અરજીકર્તા સંગઠન સીપીઆઈએલને નક્કર સબૂતો રજૂ કરવા જણાવ્યું હતું. સીપીઆઈએલે એક સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે, આવકવેરા વિભાગની આકારણી હેવાલ, ડાયરી તેમજ ઈ-મેઈલ એવો સ્પષ્ટ સંકેત આપે છે કે, રાજકારણીઓને લાંચ અપાઈ હતી.