IT ક્ષેત્રે 16000 કરોડના MOU
IT ક્ષેત્રે 16000 કરોડના MOU  (ફૂલછાબ ન્યૂઝ) અમદાવાદ, તા.11:  વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત આજે બીજા દિવસે રોકાણ પ્રસ્તાવોના સમજૂતી કરારો (એમઓયુ)નો થનગનતો પ્રારંભ થયો હતો. જેમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે 16000 કરોડ રૂપિયાનાં 89 એમઓયુ થયા હતા. જ્યારે બાયો ટેકનોલોજી ક્ષેત્રે 5022 કરોડના 54 એમઓયુ કરવામાં આવ્યા હતા. બાયો ટેકનોલોજી ક્ષેત્રે રોજગારીની 1 લાખ તકો સર્જાવાની આશા છે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, નોબેલ લોરિએટ્સ ડો.હેરોલ્ડ વાર્મસ, ભારત સરકારના બાયોટેકનોવોજી વિભાગના સેક્રેટરી ડો.વિજય રાઘવન તેમજ આઇ.ટી.ક્ષેત્રે સંકળાયેલ કંપનીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આ એમ.ઓ.યુ. થયા હતા.

બાયોટેકનોલોજી ક્ષેત્રે એમ.ઓ.યુ. કરનાર કંપનીઓમાં 14 કંપનીઓએ ફાર્મા અને હેલ્થકેર બાયોટેકનોલોજી ક્ષેત્રે રૂા.2228 કરોડ, 4 કંપનીઓએ ઇન્ડસ્ટ્રિયલ બાયોટેકનોલોજી ક્ષેત્રે રૂા.2076 કરોડ, 3 કંપનીઓએ બી.ટી.ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રૂા.605 કરોડ, 15 કંપનીઓએ કૃષિ બાયોટેકનોલોજી ક્ષેત્રે રૂા.93.1 કરોડ, 5 કંપનીએ પર્યાવરણ-બાયોટેકનોલોજી ક્ષેત્રે રૂા.29.5 કરોડ, 4 કંપનીઓએ બાયો સર્વિસ ક્ષેત્રે રૂા.24 કરોડ, 3 કંપનીઓએ મરિન બાયોટેકનોલોજી ક્ષેત્રે રૂા.20.5 કરોડ, 2 કંપનીઓએ બાયોઇન્ફોર્મેટિક્સ સેવાઓ ક્ષેત્રે રૂા.3.7 કરોડ અને 1 કંપનીએ બાયોટેકનોલોજી ઇન્સ્ટુમેન્ટ ક્ષેત્રે રૂા.2 કરોડના રોકાણના ઇરાદાઓ વ્યક્ત કરતા એમ.ઓ.યુ ગુજરાત સરકાર સાથે કર્યા હતા.

આમાંની 37 કંપનીઓએ બાયોટેકનોલોજી ક્ષેત્રે નવા ઉદ્યોગોનો પ્રારંભ કરવા માટે રૂા.4822 કરોડ અને 15 કંપનીઓએ બાયોટેકનોલોજીના પોતાના હાલના ઉદ્યોગોના વિકાસ માટે રૂા. 269 કરોડના એમ.ઓ.યુ. કર્યા હતા.  ચુડાસમાના કહેવા મુજબ બાયો ટેકનોલોજી ક્ષેત્રે 1 લાખ રોજગારીની તકો ઉભી થશે.