રોકાણકારો ‘વાયબ્રન્ટ’: 24,385 MOU
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે 18,522 એમઓયુ :  અન્ય ક્ષેત્રના 5,863 એમઓયુ 

 

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.11 : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017 અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં કુલ 24,385 એમઓયુ થયા છે. જેમાં 18,522 એમઓયુ  માત્ર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રના છે.  જ્યારે અન્ય ક્ષેત્રના 5,863 એમઓયુ  થયા છે. આ એમઓયુમાં રૂા.1 થી 4 હજાર કરોડના રોકાણના ઇરાદા રજૂ થયા છે. જ્યારે 50 એમઓયુમાં રૂા.4 હજાર કરોડથી વધુના રોકાણના ઇરાદા રજૂ થયા છે.

સત્તાવાર રીતે પ્રાપ્ત માહિતી અનુસાર, અદાણી સિમેન્ટેશન લિ.એ રૂા.5,500 કરોડના, વદરાજ સિમેન્ટે કચ્છમાં રૂા.5,400 કરોડના સિમેન્ટ પ્લાન્ટ નાખવા માટેના, અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા રૂા.6,000 કરોડના, શ્રી સિમેન્ટ દ્વારા રૂા.3000 કરોડના, આરએસપીએલ લી. દ્વારા રૂા.2,500 કરોડ, ગલ્ફ માઇનીંગ મટીરીયલ્સ કું. દ્વારા રૂા.1200 કરોડના રોકાણના ઇરાદો રજૂ કરવામાં આવ્યા છે. આ તમામ કંપનીઓ દ્વારા એકંદરે 4,400 વ્યક્તિઓને રોજગારી ઉપલબ્ધ કરાશે.

જે એમઓયુ થયા છે તેમાં સૌથી વધારે ઉર્જા, ઓઇલ અને ગેસ સેકટરમાં 40 જેટલા એમઓયુ થયા છે. જેમાં 9 એમઓયુ રૂા.4000 કરોડથી વધુ રોકાણ કરાશે જ્યારે 31 એમઓયુમાં રૂા.1 થી 4 હજાર કરોડનું  રોકાણ કરાશે. બીજા નંબરે નાણાંકીય સેવાઓમાં 26 એમઓયુ થયા છે. જેમાં 12 એમઓયુ રૂા.4000 કરોડથી વધુ રોકાણના અને 14 એમઓયુ રૂા.1 થી 4 હજાર કરોડના રોકાણના થયા છે.