રાજકોટની 4 સહકારી બેન્કોમાં આરબીઆઈનું ઈન્સ્પેકશન
રાજકોટની 4 સહકારી બેન્કોમાં આરબીઆઈનું ઈન્સ્પેકશન  આર.સી.સી. બેન્ક, વિજય બેન્ક અને પીપલ્સ બેન્ક અને જીવન બેન્કમાં નોટબંધી પછીના ટ્રાન્ઝેકશનની તપાસ

 

રાજકોટ, તા.11: નોટબંધી બાદ કાળા નાણાને કાયદેસરના બનાવવા માટેના અનેકવિધ રસ્તાઓમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઘડેલા નિયમોનું પુરું પાલન થયું છે કે નહીં, તે સહિતના મુદ્દાઓ ચકાસવા રિઝર્વ બેન્કની ટીમોએ આજે 4 સહકારી બેન્કોમાં તપાસ શરૂ કરી છે, જેમાં રાજકોટ કમર્શિયલ, કો ઓપરેટીવ બેન્ક, વિજય કમર્શિયલ કો ઓપરેટીવ બેન્ક અને રાજકોટ પિપલ્સ કો ઓપરેટીવ બેન્કનો સમાવેશ થાય છે. મોડેથી રાજકોટની જીવન બેન્કમાં પણ આરબીઆઈની ટીમ પહોંચી હતી. આવકવેરા વિભાગે રાજ બેન્કમાં સર્વે કર્યાના બીજા જ સપ્તાહમાં આરબીઆઈનું ઈન્સ્પેકશન સહકારી અને બેન્કીંગ જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ 8 નવેમ્બરે નોટબંધી લાગુ પડાયા બાદ રિઝર્વ બેન્ક દ્વારા અનેકવિધ માર્ગદર્શક નિયમો જારી કર્યા હતા અને તેના ચુસ્ત અમલ માટે બેન્કોને તાકીદ કરવામાં આવી હતી. તેનું યોગ્ય પાલન થયું છે કે નહીં,  તેની ચકાસણી કરવામાં આવે છે.

વળી, જૂની નોટ જમા કરાવનારા ડેકલેરેશન લેવા, પાન નંબર લખાવવા, કેવાયસી સહિતના નિયમોનો ચુસ્ત અમલ થયો છે કે, નહીં, તે વિશે તપાસ હાથ ધરવામાં આવી છે, એટલું જ નહીં, તા.8 નવેમ્બર પછીના સીસીટીવી ફૂટેજ પણ આ ટીમો ચકાસે છે.

પીપલ્સ બેન્કમાં તો ગઈકાલથી રિઝર્વ બેન્કનું ઈન્સ્પેકશન છે, જ્યાં ખાતાઓમાં સૌથી વધુ ડિપોઝીટ જમા કરાવનારાથી માંડીને કેવાયસી જેવા નિયમોના પાલન અંગે માહિતી માંગવામાં આવી હતી, જે બેન્ક દ્વારા પૂરી પાડવામાં આવી હોવાનું ચેરમેન શામજીભાઈ ખુંટે જણાવ્યું હતું. રિઝર્વ બેન્કના અધિકારીઓની ટીમ દ્વારા હેડ ઓફિસ ઉપરાંત બ્રાંન્ચોમાં પણ ચકાસણી કરવામાં આવી રહી છે. આ તપાસ હજુ એકાદ દિવસ ચાલશે, અન્ય સહકારી બેન્કોમાં પણ આરબીઆઈ તપાસ કરે તેવો સંભવ છે. આરબીઆઈની 3 ટીમો આવી છે. જેને એક-એક બેન્કમાં બે બે દિવસ ઈન્સ્પેકશનના થાય છે.

આજે સાંજે આરસીસી બેન્કમાં ઈન્સ્પેકશન પૂરું થયા બાદ આરબીઆઈની ટીમ જીવન કોમર્શિયલ બેન્કમાં તપાસ માટે ગઈ હોવાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે.

 

રાજ બેન્કના ટોપ ડિપોઝીટરોના નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ

રાજકોટની રાજ બેન્ક સામે ઈન્કમટેકસ વિભાગ દ્વારા સર્વે કરાયા બાદ હજી પણ તપાસ ચાલુ છે. આવકવેરા વિભાગે હવે પ્રથમ તબક્કે સૌથી વધુ  ડિપોઝીટ જમા કરાવનારા 25 જેટલા ખાતેદારો પરત પાસ કેન્દ્રિત કરી છે, આજે 8 થી 10 જેટલા મોટી ડિપોઝીટ જમા કરાવનારા ખાતેદારોના નિવેદન લેવાની કાર્યવાહી આરંભી છે. આવકવેરા વર્તુળોના જણાવ્યા અનુસાર મોટી ડિપોઝીટ જમા કરાવનારા 25 ડિપોઝીટરો પૈકી ટોપટેન ખાતેદારોની જમા કરાવેલી ડિપોઝીટની કાયદેસરતા ચકાસવા તેઓના નિવેદન નોંધવાની કાર્યવાહી કરી છે. નિવેદનમાં ડિપોઝીટ વિશે કેવા ખુલાસા અપાય છે, તેના આધારે તેના પર શું, કેવી કાર્યવાહી કરવી એ નક્કી થશે, એવું જાણવા મળે છે.