રાજકોટમાં જન્મ સાથે જ નવજાત શિશુને મળશે ‘આધાર’
રાજકોટમાં જન્મ સાથે જ નવજાત શિશુને મળશે ‘આધાર’ 

રાજકોટ, તા.11: દેશભરમાં સૌપ્રથમ રાજકોટ શહેર જિલ્લાની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી તાજા જન્મેલા બાળકોના આધારકાર્ડ કઢાશે.

રાજકોટ કલેકટર ડો.વિક્રાંત પાંડેએ મહત્ત્વનો નિર્ણય લઈ તમામ હોસ્પિટલોમાં તાજા જન્મેલા બાળકોના આધારકાર્ડ કાઢવા આદેશ કર્યા છે.

કલેકટરે કહ્યું હતું કે, તાજા જન્મેલા બાળકોની આધારકાર્ડ માટે ફીંગર પ્રિન્ટ કે આઈ લેવાની જરૂર નથી, માત્ર નામ, માતા-પિતાના નામ, સરનામા અને તાજા જન્મેલા બાળકના ફોટા ઉપરથી આધારકાર્ડ કાઢી અપાશે.

કલેકટર ડો.પાંડેના જણાવ્યા મુજબ સરકારની તમામ યોજના ઉપરાંત એરપોર્ટ, રેલવે પ્રવાસમાં મુશ્કેલીઓ ન થાય એ હેતુથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રારંભમાં સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોમાં બે-બે કીટ મૂકાશે. શહેરની  સિવિલ હોસ્પિટલ અને જનાના હોસ્પિટલમાં બે દિવસમાં જ આધારકાર્ડ કીટ મૂકી તાજા જન્મેલા બાળકોના આધારકાર્ડ કાઢવાની કાર્યવાહી હાથ ધરાશે. આ પછી દરેક તાલુકા મથકે હોસ્પિટલોમાં જે તે મામલતદારો દ્વારા અઠવાડિયામાં બે દિવસ કીટ મૂકીને આ કાર્યવાહી કરાશે. 1 થી 5 વર્ષની વયના બાળકોના આધારકાર્ડ તેમના માતા-પિતાના આધારકાર્ડ સાથે લીંકઅપ કરાય છે. વળી, સરકારે ડિલીવરી માટે છ હજારની સહાયની જાહેરાત કરી છે, આથી તે માટે પણ આધારકાર્ડ જોઈશે. આ માટે દેશભરમાં સૌપ્રથમ રાજકોટમાં આ પ્રયોગ કરવાનું નક્કી કર્યું છે, એમ જણાવી કલેકટર ડો.વિક્રાંત પાંડેએ ઉમેર્યું કે, આમાં સફળતા મળ્યા બાદ હોસ્પિટલોમાં આધારકાર્ડ માટે કાયમી સેન્ટર ઉભુ કરવાનો પણ નિર્ણય કરાયો છે.