ગિર ટૂંકું પડતાં સિંહો જંગલ બહાર નિકળ્યા: ડો. સિંઘ
ગિર ટૂંકું પડતાં સિંહો જંગલ બહાર નિકળ્યા: ડો. સિંઘ 523 સિંહમાંથી 210 રેવન્યુ હદમાં પ્રવેશ્યા

જૂનાગઢ, તા. 20: ગુજરાત સરકારે રાજયમાં સિંહોના વસવાટ અને સલામતી માટેની લાયકાત પ્રાપ્ત કરી લીધી છે. પરંતુ રહેણાક વિસ્તાર (જંગલ) ટૂંકુ પડતા છેલ્લા દોઢેક દસકાથી રેવન્યુ વિસ્તારમાં પ્રવેશ્યા છે. પરિણામે તેની સલામતી સામે સવાલ ઉભો થયો છે. તેવો એકરાર વાઇલ્ડ લાઇફ જૂનાગઢ સર્કલના સી.સી.એફ. ડો. એ. પી. સિંઘે જણાવ્યું હતું.

તેમણે એક મુલાકાતમાં જણાવ્યું કે, ગિર અભયારણ્ય 1800 ચો. કિ.મી.માં પથરાયેલું છે. તેમાં 300 થી 350 સિંહો જ વસવાટ કરી શકે છે. પરંતુ સિંહોની વસ્તી વધતાં વર્ષ 2000થી સિંહો રેવન્યુ વિસ્તારમાં પ્રવેશ્યા છે. તેમણે ઉમેર્યુ કે, એક સિંહને રહેવા, હરવા-ફરવા માટે 40 થી 50 ચો. કિ.મી.નો વિસ્તાર જોઇએ છે. પરંતુ ગિર જંગલમાં સિંહોની વસ્તી વધતા જંગલ નાનું જણાતા એકબીજાના વિસ્તારમાં અન્ય સિંહો પ્રવેશે તો ઇન્ફાઇટ સર્જાય છે અને એકબીજા જખ્મી થઇ મોતને ભેટે છે.

આ આંતરિક લડાઇ કરવાને બદલે વર્ષ 2000માં સિંહો ગિરનાર જંગલમાં પ્રવેશ્યા ત્યાં ખોરાક, પાણી અને રહેણાંક યોગ્ય જણાતા સિંહોએ અહીં વસવાટ શરૂ કર્યો છે. આજે ગિરનાર જંગલમાં 40 જેટલા સિંહો કાયમી વસવાટ કરવા લાગ્યા છે.

ઉપરાંત સેન્ચુરી આસપાસ રેવન્યુ વિસ્તારના કોરીડોર જેવા કે નદી પટ અથવા ઘાસની વીડી કે બગીચાઓ તરફ આગળ વધ્યા છે. આ વિસ્તારમાં સિંહોને શિકાર મળી રહે છે. તેમજ જે વિસ્તારમાં રેઢીયાળ ઢોરનું પ્રમાણ વધારે હોય તે દિશામાં આગળ વધતા રહે છે. પરિણામે આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સિંહો જોવા મળે છે. 523 સિંહમાંથી 210 રેવન્યુ હદમાં પ્રવેશ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

પરંતુ જે વિસ્તારોમાં ખેડૂતો તથા અન્ય લોકો સિંહની ટેવથી પરિચિત અને પ્રેમી બન્યા છે. અને સિંહ સાથે રહેવાની સમજ કેળવી છે. તે વિસ્તારોમાં સિંહો રહેણાંક માટે સ્થિર થવા લાગ્યા છે. પરંતુ નવા સેટેલાઇટ વિસ્તારની નજીકના ગ્રામજનોમાં સિંહની વર્તણૂકની સમજ ઓછી છે. ત્યાં સિંહ જોવા મળે છે પરંતુ વસવાટ કર્યો નથી.

રેવન્યુ વિસ્તારમાં વિહરતા સિંહોની સલામતી મુદે્ સીસીએફ ડો. સિંઘએ સ્વીકાર્યુ કે, સિંહો સલામત નથી. રેલવે ટ્રેક, ધોરી માર્ગો, હાઇવે તથા જે વિસ્તારના ગ્રામજનો સિંહોની વર્તણુંકથી પરિચિત નથી. તેવા વિસ્તારોમાં વિહરતા સિંહોની સલામતી સામે સવાલ છે.

તેમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજયના અમુક માર્ગોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરાયા તેમાં ઉના- ચોટીલા હાઇવે અભયારણ્ય નજીકથી પસાર થનાર છે. તેથી આ વિસ્તારમાં વસવાટ કરતા સિંહોના સંરક્ષણનો મુદો્ ચિંતાનો વિષય છે.

આવા માર્ગો અને રેલવે ટ્રેકની બંને બાજુ ફેન્સીંગની સુવિધા ઉભી કરવામાં આવે તો સિંહોના સંરક્ષણનો પ્રશ્ન નિવારી શકાય તેવો અંતમાં પોતાનો વ્યકત કર્યો હતો.