પીવી સિંધુ બે સ્થાનના ફાયદાથી ત્રીજા ક્રમે
પીવી સિંધુ બે સ્થાનના ફાયદાથી ત્રીજા ક્રમે સતત સારા પ્રદર્શનથી નંબર વન બનવાનો વિશ્વાસહૈદરાબાદ તા.20: રિયો ઓલિમ્પિકની રજત ચંદ્રક વિજેતા ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ નવા બેડમિન્ટન ક્રમાંકમાં બે સ્થાનના ફાયદાથી ત્રીજા નંબર પર આવી ગઇ છે. સિંધુ પાછલા સપ્તાહે પાંચમા સ્થાને ખસી ગઇ હતી. સિંગાપોર ઓપનના કવાર્ટર ફાઇનલ સુધી પહોંચવાને લીધે તેને ફાયદો મળ્યો છે. બીજી તરફ સાઇના નેહવાલ પણ એક ક્રમના ફાયદાથી આઠમા નંબર પર પહોંચી છે. પુરુષ વિભાગમાં સિંગાપોર ઓપનના વિજેતા સાઇ પ્રણિત 22મા અને ઉપવિજેતા કે. શ્રીકાંત 21મા નંબર પર છે.

સિંધુએ કહયું છે કે તે રેન્કીંગ પર ધ્યાન આપી રહી નથી. મારું ધ્યાન આગામી સ્પર્ધાઓ પર છે. સિંધુનું માનવું છે કે સતત સારું પ્રદર્શન કરવાથી તે જરૂર એક દિવસ ટોચ પર પહોંચશે. તાજેતરમાં ઇન્ડિયા ઓપનમાં વિજેતા બન્યા બાદ સિંધુ બીજા નંબર પર પહોંચી હતી. સિંધુ હાલ 2પ એપ્રિલથી શરૂ થઇ રહેલ એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશીપ પર ફોકસ કરી રહી છે.