ગીર અભયારણ્યને ઊજણ જાહેર કરવા સામે હાઇકોર્ટની રોક
અમદાવાદ, તા.20: ગીર અભ્યારણ્યને ઇકો સેન્સેટિવ ઝોન જાહેર કરવા રાજ્ય સરકારે નવું નોટિફિકેશન બહાર પાડયું છે ત્યારે આ મામલે હાઇકોર્ટમાં પિટિશન થઇ છે કે, રાજ્ય સરકાર દ્વારા ગીર આસપાસના ઇકો સેન્સેટિવ ઝોનના વિસ્તારને નાનો કરી દઇ સુપ્રીમકોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. જેથી હાઇકોર્ટે રાજ્ય સરકારના ઇકો સેન્સેટિવ ઝોનના નિર્ણય પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત હાઇકોર્ટે કેન્દ્ર સરકાર સહિતના પક્ષકારોને જવાબ રજૂ કરવા સાથે એવો પણ આદેશ કર્યો છે કે, નોટિફિકેશનની આખરી પ્રસિદ્ધિ સામે રોક લગાવી દઇ આ કેસના આખરી નિકાલ સુધી તે ફાઇનલ નહીં કરવા જણાવ્યું છે.

પર્યાવરણ એક્ટિવિસ્ટ બિરેન પાધ્યાએ કરેલી પિટિશનમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્ય સરકારે માત્ર ગીર અભ્યારણ્ય જ નહીં પરંતુ અન્ય અભ્યારણ્ય તેમજ નેશનલ પાર્કના વિસ્તારને ટુંકાવી દઇ ઇકો સેન્સેટિવ ઝોનનું રીકસ્ટ્રક્ટિંગ કર્યું છે. રાજ્ય સરકારે તેને એપ્રુવલ માટે જંગલ અને પર્યાવરણ મંત્રાલય સમક્ષ મોકલ્યું છે. જેને કારણે સુપ્રીમ કોર્ટના 2010ના હુકમનો ભંગ થયો છે તેમજ એમઓઇએફ 2011ની જોગવાઇઓનો પણ ભંગ થયો છે. અગાઉ 10 કિ.મી.ચો.મી.નો વિસ્તારને ઇકો સેન્સેટિવ ઝોન તરીકે જાહેર કરાયો હતો. જેને કારણે 332881 હેક્ટર જમીનનો તેમાં સમાવેશ થયો હતો. અચાનક આ 10 કિ.મી.ચો.મી.ના વિસ્તારને ઘટાડીને 0.500 કિ.મી.ચો.મી. વિસ્તારમાં ફેરવી દેવામાં આવ્યો હતો જેને કારણે ઇકો સેન્સેટિવ ઝેન માત્ર 1.14 લાખ હેક્ટરમાં સિમિત રહી જશે. આ ઇકો સેન્સેટીવ ઝોનમાં 250થી 750 જેટલાં તળાવો અને પાણીના સ્રોત હતા, તે પણ ઘટાડાને કારણે માત્ર 50થી 100 રહી ગયા છે.