દિનુ સોલંકીએ અરજી પાછી ખેંચી લેવા ‘માંગો એટલા રૂપિયા’ની ઓફર કરી હતી !
અમદાવાદ, તા.20: અમીત જેઠવા હત્યા કેસમાં સાક્ષીઓ હોસ્ટાઇલ થઇ જતા પુન:ટ્રાયલ મુદ્દે પિટિશન કરવામાં આવી છે ત્યારે આ પિટિશન પરત ખેંચવા માટે ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકે માંગો એટલા રૂપિયા આપવાની ઓફર કરી હોવાનો આરોપ અમિત જેઠવાના પિતા ભીખાભાઇએ કર્યો છે. તેમણે આવી લાલચ, ધમકી સહિતની બાબતો અંગે હાઇકોર્ટમાં એફિડેવીટ કરવાની પણ તૈયારી દર્શાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અંતિમ તબક્કામાં હતો અને મોટા ભાગના સાક્ષીઓ હોસ્ટાઇલ  થઇ જતા કેસને નુકશાન થયું હોવાનું અને સાક્ષીઓ ફોડયા હોવાનો મુદ્દો ઊભો કરી પુન:ટ્રાયલ યોજવા માટે હાઇકોર્ટમાં પિટિશન થઇ છે.  જેમાં તેના વકીલ કેસમાં સાક્ષી હોવાથી તેમને દૂર કરવા હાઇકોર્ટે કહ્યું હતું જેથી હવે ભીખાભાઇ જેઠવાના વકીલ તરીકે હવે નવા વકીલની નિયુક્તિ થશે.

દરમિયાન ભીખાભાઇ જેઠવાએ પત્રકારો સાથેની વાતચીતમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે, હાલના સીબીઆઇ  જજથી પણ તેમને ન્યાયની અપેક્ષી નથી જ્યારે 105 જેટલા સાક્ષાઓ ફરી જતા હોય ત્યારે પણ બેસ્ટ બેકરી કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને અનુલક્ષીને આ કેસમાં જજ દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા નથી.

તેમણે એમ પણ કહ્યું કે, પાંચ દિવસ પહેલા જ દિનુ બોઘા સોલંકી ના માણસો દ્વારા તેમના કાર્યકરનો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને  જો તેઓ રિટ પરત ખેંચે તો તેઓ માંગે તે રકમ આપવા તૈયાર છે, એમ જણાવવામાં આવ્યું હતું.  તેમણે સીધો આક્ષેપ કર્યો હતો કે, રમેશ બોઘરા અને કરશન નામના બે વ્યક્તિઓએ આ ઓફર કરી હતી. આ અગાઉ પણ 2010 અને 2012માં પણ તેમને નાણાંકીય ઓફર થઇ ચુકી છે તેમજ 20 થી વધુ વખત તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.