‘નામ બદલવાથી ગેરકાયદેસર કબજો અધિકૃત થઈ જતો નથી’
નવીદિલ્હી, તા.20 : દલાઈ લામાની ભારત યાત્રાથી અકળાયેલા અળવીતરાં ચીને અરુણાચલ પ્રદેશનાં છ સ્થળોનાં નામ બદલી નાખ્યા બાદ ભારતે આજે તેની સામે સખત વાંધો ઉઠાવતાં તીખી પ્રતિક્રિયા આપી હતી. ભારતે આજે ચીનને ચોખ્ખું ચોપડાવી દીધું હતું કે પાડોશી દેશનાં સ્થળોનાં નામ બદલી નાખવા માત્રથી ગેરકાયદેસર કબજો અધિકૃત થઈ જતો નથી.

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ગોપાલ બાગલે કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અવિભાજ્ય હિસ્સો છે અને કોઈપણ અવૈધ કબજો નામ બદલી નાખવાથી વૈધ થઈ જતો નથી.

ઉલ્લેખનીય છે કે બુધવારે ચીને અરુણાચલનાં છ સ્થળોનાં અધિકૃત નામો જાહેર કર્યા હતાં. આટલું જ નહીં આ ઉશ્કેરણીજનક પગલાને ચીને કાયદેસર કાર્યવાહી પણ ગણાવી હતી. દલાઈ લામાએ ભારતનો પ્રવાસ કર્યો ત્યારે ચીનને પેટમાં ચૂક ઉપડી હતી. જેને પગલે પોતાનો રોષ ઠાલવવા માટે ચીને આવી આડોડાઈ કરી હોવાનું સાફ દેખાઈ રહ્યું છે. ચીનનાં સરકારી માધ્યમોએ ચીનનાં પગલાંને અરુણાચલ ઉપર પોતાના દાવાની પુષ્ટિ માટેની કાર્યવાહી ગણાવી હતી. ચીન અરુણાચલને દક્ષિણી તિબેટ ગણાવીને પોતાનો દાવો કરતું આવ્યું છે.