અમેરિકા V/S ઉત્તરકોરિયા યુદ્ધનું કાઉન્ટડાઉન ?
નવીદિલ્હી, તા.20 : અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તનાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકાની વારંવારની ચેતવણીઓ સામે બાંયો ચડાવતાં છેલ્લે ઉત્તર કોરિયાએ કહી દીધું હતું કે તે પોતાનાં મિસાઈલ પરિક્ષણો બંધ કરવાનું નથી અને અમેરિકા કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી કરવાની હિમાયત કરશે તો ઘર્ષણ પરમાણુ યુદ્ધમાં પરિણમશે. બન્ને દેશો વચ્ચે ચાલતું આ શાબ્દિક ઘર્ષણ હવે યુદ્ધમાં પલટાવાની તૈયારીમાં હોવાનાં પ્રબળ સંકેતો ચીન અને રશિયાનાં સૈન્યો આપી રહ્યા છે. ચીને ઉત્તર કોરિયા સાથે જોડાયેલી સરહદે દોઢ લાખ દળો તૈનાત કરવાં રવાના કરી દીધા બાદ હવે રશિયાએ પણ ઉત્તર કોરિયાને રશિયા સાથે જોડતી દક્ષિણ-પૂર્વી સરહદે સેના અને શત્ર-સરંજામો તૈનાત કરવાં માંડયા છે. રશિયા અને ચીનને ભીતિ છે કે જો સશત્ર અથડામણ થાય તો ઉત્તર કોરિયામાંથી મોટા પાયે હિજરતીઓ તેમનાં

દેશમાં ઘૂસી જઈ શકે છે. હાલનાં તબક્કે બન્ને દેશો તરફથી આવી હિજરત સામે સ્વરક્ષા માટે સૈન્ય તૈનાત કરવામાં આવી રહ્યા હોવાનું કહેવામાં આવે છે. જો કે બન્ને દેશોએ ટેન્કોથી માંડીને આધુનિક શત્ર-સરંજામો સરહદ ભણી રવાના કરી દીધા હોવાનું જાણવા મળે છે.