સિરામિક પર ઉંચા GST સામે વિરોધ
સિરામિક પર ઉંચા GST સામે વિરોધ સિરામિક આવશ્યક ચીજ છે એટલે 28 ટકાનો વેરો ગેરબાજબી : ઉદ્યોગકારો

રાજકોટ, તા. 19: (ફૂલછાબ ન્યૂઝ) જીએસટી કાઉન્સિલે 1211 ચીજોના નવા દર જાહેર કર્યા છે એ દર જો યથાવત રહે તો 90 ટકા ઉત્પાદન ધરાવતા ગુજરાતની બધી જ સિરામીક પ્રોડક્ટ મોંઘી થઇ જવાની છે. સિરામીક જીવનાવશ્યક ચીજ છે પરંતુ કાઉન્સિલે તેને લક્ઝુરિયસ આઇટમ ગણીને 28 ટકાના જીએસટી સ્લેબમાં મૂકી છે. પ્રવર્તમાન દરથી સિરામીક પ્રોડક્ટ 4થી 10 ટકા મોંઘી થઇ જાય એવી સંભાવના છે. મોરબીના સિરામીક ઉદ્યોગકારો ઉંચા દરથી ખળભળી ઉઠયાં છે અને હવે સરકારને દર નીચો લાવવા રજૂઆત કરવા જનાર છે.

સેનેટરીવેર અને ટાઇલ્સ પર વર્તમાન સમયે 12.5 ટકા એક્સાઇઝ છે. વિવિધ રાજ્યોનો 7થી 12.5 ટકા વેટ ઉમેરતા 18થી 24 ટકાનો દર લાગે છે. એ હવે 28 ટકા સૂચિત કરવામાં આવ્યો છે.

મોરબી સિરામીક એસોસીએશનના પ્રમુખ કે.જી. કુંડારીયા કહે છે, જીએસટીનો દર અસહ્ય છે. આ દર ખરેખર તો લક્ઝુરિયસ ચીજો પર લગાવવાનો હોય છે. સિરામીક પ્રોડક્ટ હવે આવશ્યકતા છે. સામાન્ય લોકો પણ તેનો ઉપયોગ કરે છે ત્યારે આવો દર મોંઘવારી વધારશે.

સરકાર એક તરફ સ્વચ્છ ભારતની ઝુંબેશ ચલાવીને ટોઇલેટ બનાવડાવી રહી છે. સસ્તાં ગૃહ ગરીબોને આપવા માગે છે. સિરામીકનો ઉપયોગ એમાં મહત્તમ થવાનો છે ત્યારે સસ્તાં ઘરો કેવી રીતે આપી શકાશે એમ વોલટાઇલ્સ એસોસીએશનના પ્રમુખ નિલેષભાઇ જેતપરીયાએ કહ્યું હતુ.

સિરામીક સંગઠનના સૂત્રો કહે છે, આ પ્રોડક્ટને 8થી 12 ટકાના સ્લેબમાં લઇ જવી જોઇએ. 90 ટકા સિરામીક ઉત્પાદન ગુજરાતમાં થાય છે ત્યારે ઉંચો દર ન લાગે એ માટે રાજ્ય સરકારે અંગત રસ લેવો જરુરી છે. અમે કેન્દ્ર સરકારમાં આ મુદ્દે ટૂંકમાં રજૂઆત કરવા જઇશું.

જીએસટી કાઉન્સિલે ગ્રેનાઇટ પર 12 ટકા, લેમીનેટસ પર 18 ટકા અને આર્ટીફિશીયલ સ્ટોન  પર માત્ર 6 ટકા જીએસટી લગાડવાની જાહેરાત કરી છે. આ તમામ પ્રોડક્ટ સિરામીક કરતા મોંઘી હોય છે અને વપરાશ પણ ધનિક વર્ગ દ્વારા કરાતો હોય છે. એની સામે સિરામીક ઉત્પાદનો પર 28 ટકાનો દર મોંઘવારી વધારનારો બનશે.