સાવરકુંડલા પંથકમાં કરાં સાથે ધોધમાર વરસાદ: ખેડૂતો ચિંતામાં
સાવરકુંડલા પંથકમાં કરાં સાથે ધોધમાર વરસાદ: ખેડૂતો ચિંતામાં ખેતરોમાં પાણી ભરાયાં, બાજરી- ડુંગળીના પાકને નુકસાન

અમરેલી/સાવરકુંડલા, તા. 19: અમરેલી પંથકમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે લાઠી અને લીલિયા પંથકમાં વરસાદ વરસી ગયા બાદ આજે સાવરકુંડલા પંથકના ગામોમાં હળવાથી ભારે ઝાપટાં વરસી ગયા હતા. જ્યારે કેટલાક ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડયો હતો. વીજપડી પંથકમાં કરાં સાથે વરસાદ વરસી ગયો હતો.

ગઇકાલે લાઠી-લીલિયા પંથકમાં મિની વાવાઝોડા સમાન વરસાદ ખાબકી ગયાં બાદ આજે પણ સાવરકુંડલા પંથકના લુવારા, લિખાળા, રામગઢ, ગાધકડા, મેરીયાણા સહિતનાં વિસ્તારોમાં પવન સાથે જોરદાર કમોસમી વરસાદનું જોરદાર ઝાપટું પડી જતાં ખેત જણસોને નુકસાનીની દહેશત સાથે ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાઇ ગયેલ છે.

ચોમાસાનાં આગમનને હજુ એક માસ જેવો સમય બાકી હોવા છતાં પણ અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી આકાશમાં અષાઢી માહોલ છવાતાં અને હાલ વરસાદનાં આગમનથી ખેડૂતોનાં પાકને નુકસાની જ થવાની છે. કોઇ ફાયદો થવાનો ન હોવાના કારણે ખેડૂતો ચિંતામાં ડૂબેલ છે. કમોસમી વરસાદ હંમેશા નુકસાની જ નોતરતો હોય છે.

સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કરાં સાથે જોરદાર વરસાદ પડયો હતો. ખેતી પાકને નુકસાન થયું હતું. જ્યારે લોકોને ગરમીથી રાહત મળી હતી.

સાવરકુંડલા તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં પલટો થતાં તાલુકાના મેરીયાણા-ગાધડકા-ઘાંડલા-વિજપડી-લુવારા રામગઢ વગેરે ગામોમાં જોરદાર પવન સાથે વરસાદ પડયો હતો. ત્યારે વિજપડી વિસ્તારમાં કરાં સાથે વરસાદ થયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ વરસાદથી બાજરી અને ડુંગળીના પાકને નુકસાન ગયું છે. વરસાદના પગલે  કેટલાક ખેતરોમાં પાણી ભરાયા હતાં.