સર્વિસ માટે GSTના દર નિર્ધારિત
સર્વિસ માટે GSTના દર નિર્ધારિત વસ્તુની માફક સેવાઓ માટે પણ ચાર સ્તરીય કરવેરા : જીએસટીની અમલવારી માટે મોટાભાગની તૈયારી પૂર્ણ

શ્રીનગર, તા.19 : દેશનાં કરમાળખાનાં સૌથી મોટા સુધારા એટલે કે વસ્તુ અને સેવા કર(જીએસટી)ને 1 જુલાઈથી વ્યવહારમાં લાવવા માટે આજે શુક્રવારે વિભિન્ન ચીજો ઉપર ટેક્સનાં દર નક્કી કર્યા બાદ આજે જુદીજુદી સેવાઓને પણ ટેક્સનાં ચાર સ્લેબમાં વર્ગીકૃત કરી લેવામાં આવી હતી. જેમાં વર્તમાન વ્યવસ્થાની જેમ જ સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવી સેવાઓને કરમુક્તિ યથાવત જાળવી રાખવા માટે નિર્ણય લેવાયો છે.

નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં આજે મળેલી જીએસટી અમલીકરણ સમિતિની બેઠકમાં સેવાઓ માટે પણ પ,12,18 અને 28 ટકાનાં ચાર સ્તરીય કરવેરા નક્કી કરવામાં આવ્યા હતાં. બેઠક બાદ જેટલીએ જણાવ્યું હતું કે સેવાક્ષેત્ર માટે જીએસટીને સંપૂર્ણ સ્વીકૃતિ મળી ગઈ છે. સેવાઓનાં પ્રકાર અનુસાર તેને ચાર સ્તરમાં વિભાજિત કરી દેવાઈ છે.

જેમાં કરવેરાનાં દર ફુગાવાજન્ય ન બને તે ધ્યાને રાખવામાં આવેલું છે. મોટાભાગની સેવાઓને 12થી 18 ટકા ટેક્સનાં દાયરામાં સમાવી લેવાઈ છે.

હવાઈ સેવા સહિતની પરિવહન સર્વિસને પાંચ ટકાનાં સ્લેબમાં મુકવામાં આવતાં 1 જુલાઈ પછી વિમાન ભાડા પણ ઘટશે. કારણ કે અત્યારે તેનાં ઉપર 1પ ટકા સર્વિસ ટેક્સ લાગુ પડતો હતો. પ0 લાખ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતાં રેસ્ટોરાં પાંચ ટકા સર્વિસ ટેક્સનાં દાયરામાં આવશે. જ્યારે નોન-એસી ફૂડ જોઈન્ટને 12 ટકાનાં દાયરામાં મુકાયા છે. બીજીબાજુ એસી રેસ્ટોરાં કે જ્યા શરાબ પણ પીરસાતો હોય તેને 18 ટકા ટેક્સ લાગશે. 1000 રૂપિયાથી ઓછું રૂમનું ભાડુ વસૂલતી હોટેલ અને લોજને જીએસટીમાંથી મુક્તિ મળશે. જ્યારે 1000-2પ00 ભાડું હોય તેવી હોટેલો 12 ટકા અને ફાઈવસ્ટાર- લક્ઝરી હોટેલ 28 ટકાનાં ટેક્સનાં દાયરામાં આવશે. રેસ ક્લબ, જુગારખાના અને સિનેમાગૃહો 28 ટકા ટેક્સનાં સ્લેબમાં આવશે. વર્તમાનમાં સિનેમા ઉપર 1પ ટકા સર્વિસ ટેક્સ અને તેની સાથે મનોરંજન કર પણ લેવાતો હોવાથી તે આશરે 28 ટકા જેટલા જ ટેક્સની જાળમાં આવી જાય છે. હવે આ તમામ ટેક્સ એકિકૃત થઈ જશે.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે 1 જુલાઈથી જીએસટી લાગુ કરવા સંબંધિત મોટાભાગની કામગીરી પુર્ણ કરી લેવામાં આવી છે. હવે રાજ્યોની તૈયારી જોવાની રહે છે. બાયોડીઝલ, બીડી-સિગારેટ, પગરખા, કપડા, કૃષિ અને સુવર્ણની શ્રેણી માટે કરવેરાનાં દર હવે પછી 3 જૂને દિલ્હીમાં મળનારી બેઠકમાં નક્કી કરી લેવામાં આવશે. મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે વર્તમાનમાં જે સર્વિસને કરમુક્તિ હતી તે જાળવી રાખવામાં આવી છે. મેટ્રો, લોકલ ટ્રેન, ધાર્મિક યાત્રા, હજ યાત્રાને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. બીજીબાજુ કરમુક્તિની યાદીમાં નવી કોઈ સેવાનો ઉમેરો પણ કરવામાં આવ્યો નથી.