કાશ્મીરમાં પાક.ના પૈસાથી જ હિંસા
કાશ્મીરમાં પાક.ના પૈસાથી જ હિંસા સ્ટિંગ ઓપરેશનથી ભારતનો દાવો મજબૂત : હુર્રિયત નેતાઓ સામે NIA તપાસ શરૂ

નવી દિલ્હી, તા. 19 : કાશ્મીર ખીણમાં પાકિસ્તાનના પૈસાથી હિંસા થતી હોવાનો ભારતીય દાવો એક ખાનગી ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશનથી વધુ મજબૂત થયો છે ત્યારે ભાગલાવાદી નેતાઓના ચહેરા બેનકાબ થયા બાદ રાષ્ટ્રીય તપાસનીશ એજન્સી (એનઆઇએ)એ હુર્રિયત નેતાઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. આ મામલામાં એક એફઆઇઆર નોંધ્યા પછી એનઆઇએની એક ખાસ ટીમે કાશ્મીર પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. કાશ્મીરમાં સક્રિય અલગતાવાદી નેતાઓના

તાર મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ સહિતના આતંકવાદીઓ સાથે જોડાયેલા છે. આ ભાગલાવાદી નેતાઓને સીમા પારથી રોકડા પૈસા તેમજ હિંસા માટે જરૂરી શત્ર સરંજામની મદદ પૂરી પડાય છે.

આ ખતરનાક મામલાના સંબંધમાં એનઆઇએની ટીમે સૈયદ અલીશાહ ગિલાની, નઇમખાન સહિતના અનેક ભાગલાવાદી નેતાઓ સામે તપાસ આદરી છે.

સ્ટિંગ ઓપરેશનમાં ભાગલાવીદી નેતા અને ગિલાની જૂથના પ્રાંતીય અધ્યક્ષ નઇમખાને પથ્થરબાજો માટે પાકિસ્તાનમાંથી જ પૈસા મળતા હોવાની કબૂલાત કરી હતી.

નઇમે એવું પણ કબૂલ્યું હતું કે, પાકિસ્તાન છેલ્લા છ વરસથી કાશ્મીરમાં હિંસા અને મોટા પ્રદર્શન માટે હાથ-પગ મારી રહ્યું છે.

કાશ્મીર ખીણમાં અશાંતિ ફેલાવવાના નાપાક ઇરાદા સાથે પાકિસ્તાન ભાગલાવાદી નેતાઓને કરોડો રૂપિયા આપે છે તેવી કબૂલાત નઇમે કરી હતી.