ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધોનીનો અનુભવ મહત્ત્વનો સાબિત થશે : સચિન
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધોનીનો અનુભવ મહત્ત્વનો સાબિત થશે : સચિન નવી દિલ્હી, તા.19 : ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે આગામી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયા પર ભરોસો બતાવીને કહ્યંy છે કે ટીમના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીનો અનુભવ આ ટૂર્નામેન્ટમાં મહત્ત્વનો બની રહેશે. પોતાની ફિલ્મ સચિન: એ બિલિયન ડ્રીમ્સના પ્રચારમાં અત્રે આવેલા આ મહાન ખેલાડીએ એમ જણાવ્યું હતું કે અનુભવી ધોનીને કયા ક્રમે બેટિંગ કરાવવું તે ટીમ મેનેજમેન્ટે નક્કી કરવાનું રહેશે.

ધોનીના સુકાનીપદ હેઠળ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. આ વખતે ધોની ફકત વિકેટકીપર-બેટસમેન તરીકે ભાગ લઇ રહયો છે. સચિને ધોનીના મહત્વ વિશે વાત કરતા જણાવ્યું કે ઇંગ્લેન્ડની પરિસ્થિતિ તે સારી રીતે જાણે છે. તેની પાસે સારો અનુભવ છે. તેના કયા ક્રમે બેટિંગ કરવું જોઇએ તે હું ન કહી શકુ, એ નક્કી કરવાનું કામ ટીમ મેનેજમેન્ટનું છે. દરેક મેચની સ્થિતિ અલગ હોય છે. જેમાં ધોની જેવો બેટધર કોઇ પણ ક્રમે ઉપયોગી સાબિત થઇ શકે છે. સુકાની કોહલી અને કોચ કુંબલેએ ધોનીની કયા ક્રમે બેટિંગ કરાવી તે પહેલીથી નક્કી કરવાની રહેશે.