જાધવની દયા અરજી પર વિચાર કરી રહ્યા છે પાકિસ્તાન સૈન્ય વડા
નવી દિલ્હી,તા.16 : પાકિસ્તાનની સૈન્ય અદાલત દ્વારા કથિત જાસૂસી મામલે મોતની સજાનો સામનો કરી રહેલા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની દયા અરજી પર પાકિસ્તાનના સૈન્ય વડા કમર જાવેદ બાજવા વિચાર કરી રહ્યા છે. પાકિસ્તાની સેના તરફથી કહેવામાં આવ્યું હતું કે આર્મી વડા જાધવ સામેના પુરાવાઓનું વિશ્લેષણ કરી રહ્યા છે અને તેની દયા અરજી પર મેરિટના ધોરણે નિર્ણય આપશે. પાકિસ્તાનની મિલિટરી કોર્ટ દ્વારા દયા અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ જાધવે આર્મી વડાને દયાની અરજી આપી છે. પાકિસ્તાની સૈન્ય અદાલત દ્વારા જાધવને ફાંસીની સજા સંભળાવવા સામે ભારતે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં અપીલ કરી છે. આઈસીજેએ ફાંસી પર કામચલાઉ મનાઈહુકમ આપ્યો છે. આઈસીજેએ ભારતને જાધવ મામલામાં વધુ દસ્તાવેજ જમા કરાવવા માટે 13 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે જ્યારે પાકિસ્તાને 13મી ડિસેમ્બર સુધી પોતાનો પક્ષ રાખવાનો છે. ભારત પાકિસ્તાન સમક્ષ રાજદ્વારી મદદ પહોંચાડવાની 16 વખત માંગ કરી ચૂક્યું છે પરંતુ દરેક વખતે એ માગણી પાકિસ્તાન દ્વારા ઠુકરાવવામાં આવી છે. પાકિસ્તાનનો દાવો છે કે જાધવ ભારતીય નૌસેનાના સર્વિંગ અધિકારી છે અને તેને બલૂચિસ્તાનના મશ્કેલથી ઝડપવામાં આવ્યા હતા જ્યારે ભારતનું કહેવું છે કે જાધવ નૌસેનાના નિવૃત્ત અધિકારી છે.