ગૌરક્ષાનાં નામે હિંસા સાંખી લેવાશે નહીં : મોદી
ગૌરક્ષાનાં નામે હિંસા સાંખી લેવાશે નહીં : મોદી પ્રમોદ મુઝુમદાર

નવી દિલ્હી, તા. 16 : સંસદના ચોમાસું સત્રની પૂર્વસંધ્યાએ આજે અત્રે સર્વપક્ષીય બેઠકને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે, ગૌરક્ષાના નામ પર હિંસાને સાંખી લેવામાં નહીં આવે અને આવા અસામાજિક તત્ત્વો સામે તમામ રાજ્ય સરકારોએ સખત કાર્યવાહી કરવી જોઇએ.

સંસદના વર્ષાકાલીન સત્રની શરૂઆત અગાઉ સરકારે યોજેલી સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, કાયદા અને વ્યવસ્થાનો મામલો રાજ્ય સરકારનો વિષય છે અને ગૌરક્ષાના નામે હિંસા વિરુદ્ધ સખત કાર્યવાહી રાજ્ય સરકારોએ કરવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, અગાઉથી જ ગૌરક્ષા સંબંધી કાયદાઓ છે અને રાજ્ય સરકારોએ આવા કાયદા હેઠળ કાર્યવાહી કરવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગૌરક્ષાની આડમાં બનતા બનાવોને લઇને રાજકારણ ન કરવું જોઇએ. આવા હિંસાચાર વિરુદ્ધ સૌએ સાથે મળીને કાર્ય કરવું જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને સાબરમતીમાં એક કાર્યક્રમમાં વડા પ્રધાને ગૌરક્ષાના નામે હિંસા ફેલાવતા પરિબળો સામે સખત કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. ગયા વર્ષે દિલ્હીમાં પણ તેમણે આવી જ ચેતવણી ઉચ્ચારી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સમાજમાં કેટલાક અસમાજિક તત્ત્વો એવા પણ છે જેઓ ગૌરક્ષાની આડમાં હિંસા ફેલાવે છે. આવા લોકોને કાયદો હાથમાં લેવા દેવો જોઇએ નહીં અને સરકારોએ તેમની સામે કડક હાથે કામ લેવું જોઇએ.

સર્વપક્ષીય બેઠક બાદ સંસદીય બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન અનંતકુમારે પત્રકારોને જણાવ્યું હતું કે, આ બેઠકમાં વડા પ્રધાને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરકારની ઝીરો ટોલરન્સની નીતિ હોવાનું અને તેના આધારે કાર્યવાહી કરાતી હોવાનું દોહરાવતાં આ બાબતમાં રાજકીય પક્ષોનો સરકાર માગ્યો હતો.

વડા  પ્રધાને જીએસટી પસાર કરાવવામાં સહયોગ માટે વિપક્ષોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, આ સંઘીય પ્રણાલીનો વિજય છે.

અનંતકુમારે સરકાર તરફથી એવું આશ્વાસન આપ્યું હતું કે, વિપક્ષો જે મુદ્દા ઉઠાવશે તે માટે સરકાર ચર્ચા કરવા તૈયાર હશે.

કાશ્મીર અને ચીન સાથેના વર્તમાન ઘર્ષણના મુદ્દે અનંતકુમારે જણાવ્યું હતું કે, આ બાબતમાં સરકારે વિપક્ષોના નેતાઓ સાથે બેઠક કરી છે અને પ્રત્યેક પક્ષે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે સરકારની સાથે રહેવાનો નિર્દેશ આપ્યો છે.

આ બેઠકમાં ગુલામ નબી આઝાદ (કૉંગ્રેસ), શરદ પવાર (એનસીપી), સિતારામ યેચુરી (સીપીઆઈ-એમ), મુલાયમસિંહ યાદવ (સપા), ફારુક અબ્દુલા (એનસી) અને ડી રાજા (સીપીઆઈ) હાજર રહ્યા હતા.

જોકે જેડી  (યુ) અને તૃણમૂલ કૉંગ્રેસમાંથી કોઈ પણ નેતા હાજર રહ્યો નહતો.