ટેસ્ટમાં શ્રીલંકાને ભીંસમાં લેતું ઝિમ્બાબ્વે
બીજા દાવમાં 6 વિકેટે 252 રન

કોલંબો, તા. 16: સિકંદર રઝાના અણનમ 97 અને મેલકલોમ વોલરના અણનમ 57 રનની મદદથી ઝિમ્બાબ્વેની ટીમે શ્રીલંકા સામેના એક માત્ર ટેસ્ટમાં જીતનો મોકો બનાવ્યો છે. આજે મેચના ત્રીજા દિવસના અંતે ઝિમ્બાબ્વેના બીજા દાવમાં 6 વિકેટે 252 રન બન્યા હતા. આથી તે લંકાથી 262 રને આગળ થયું છે અને ચાર વિકેટ હાથમાં છે. ઝિમ્બાબ્વેના પ્રથમ દાવમાં 356 અને શ્રીલંકાના પ્રથમ દાવમાં 346 રન થયા હતા.

ઝિમ્બાબ્વે તરફથી બીજા દાવમાં સિકંદર રઝા (97) અને વોલર (57) વચ્ચે સાતમી વિકેટની અતૂટ ભાગીદારીમાં 107 રન થયા હતા. આથી લંકા ભીંસમાં મૂકાયું છે. ઝિમ્બાબ્વેની એક તબક્કે 59 રનમાં 5 વિકેટ પડી ગઇ હતી. આ પછી રઝા સાથે મૂર (40) અને વોલરે બાજી સંભાળી લીધી હતી. લંકા તરફથી હેરાથે 4 વિકેટ લીધી હતી.