જ ળરાશિ વરસી જોરદાર પણ જ ળાશયો હજુ રાંક!
મેઘમહેર મ્યાન  સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો અડધાથી 4ાા ઇંચરાજકોટ, તા. 16: સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં શાંત સ્વરૂપે પરંતુ પુષ્કળ જળરાશી કલાકોમાં જ વરસાવી દેનાર વરસાદે વિરામ લીધો છે. ગામોને ટાપુ બનાવતા પૂર ઓસરી રહ્યાં છે તો અમુક વિસ્તારો કે જે જોરદાર વરસાદની રાહમાં છે ત્યાં હળવા ભારે ઝાપટાંથી લઇ અડધાથી 4ાા ઇંચ મેઘમહેર વરસી છે.

શુક્રવાર-શનિવારે મેઘરાજાએ હેત વરસાવ્યા પછી પણ સૌરાષ્ટ્રના શહેરીજનોનો મુખ્ય પ્રશ્ન હોય છે, કયાં- કેટલું પાણી આવ્યું? ત્યારે સિંચાઇ વર્તુળ પૂર એકમ હસ્તકના સૌરાષ્ટ્રના 80 ડેમોનું ચિત્ર જોતા હજી બહુ હરખાવા જેવું જણાતું નથી. રાજકોટ જિલ્લાના 25 ડેમોમાંથી ભાદર સહિત અરધાથી વધુ ડેમો સાવ ખાલીખમ છે. મોરબી જિલ્લાના તમામ 9 ડેમોમાં નવા નીર આવ્યા છે. જામનગર જિલ્લાના 21 ડેમો પૈકી 4 ખાલીખમ છે. દ્વારકા જિલ્લાના 12 ડેમો પૈકી 1 અને સુરેન્દ્રનગર જિલ્લાના 11 ડેમો પૈકી 1 ડેમ ખાલીખમ છે.

અમરેલી જિલ્લામાં 1 ડેમ ખાલી છે. આમ 80 ડેમો પૈકી 20 ડેમો હજી સાવ ખાલીખમ છે.

વિગતવાર જોઇએ તો રાજકોટ જિલ્લાના ભાદર ડેમ, વેણુ-2 ડેમ, સોડવદર, સુરવો, ગોંડલી, વાછપરી, વેરી, મોતીસર, છાપરવાડી 1 અને 2, ઇશ્વરિયા અને કરમાળ ડેમો ખાલી છે. મોજ ડેમની સપાટી 18.90 ફૂટે પહોંચી છે. ફોફળ ડેમમાં 0.59 ફૂટનો વધારો થતાં તેની સપાટી 3.30 ફૂટ થઇ છે. આજી-1માં 2.40 ફૂટનો વધારો થતાં સપાટી 17.40 ફૂટ થઇ છે. આજી-2માં 0.36 ફૂટનો વધારો થતાં સપાટી 26.80 ફૂટ થઇ છે. આજી-3માં 1.90 ફૂટ નવું પાણી આવ્યું છે, તેની સપાટી 24.80 ફૂટ થઇ છે. સોડવદર ડેમમાં 0.16 ફૂટ પાણી આવ્યું છે. તેની સપાટી 23.10 છે. ડોંડીમાં 4.59 ફૂટ પાણી આવ્યું છે, તેની સપાટી 5.90 ફૂટ છે. ન્યારી-1માં 10.01 ફૂટનો વધારો હતો, પણ પાણીનો વપરાશ થઇ જતાં તેની સપાટી 9.20 ફૂટ છે. ન્યારી-2 ડેમમાં 1.48 ફૂટનો વધારો થતાં સપાટી 18.70 ફૂટ થઇ છે. ફાડદંડ બેટીમાં 12.83 ફૂટ પાણી આવ્યું છે. ખોડાપીપરની સપાટી 7.90 ફૂટ છે, લાલપરીમાં 15 ફૂટની જ સંગ્રહ ક્ષમતા છે, તે કાલે છલકાઇ ગયો છે. જ્યારે કર્ણુકીમાં 0.30 ફૂટની નવી આવક થઇ છે. 18 ફૂટના આ ડેમમાં માત્ર 0.30 ફૂટ પાણી છે. 17.70 ફૂટ ખાલી છે.

મોરબી જિલ્લાના ડેમો જોઇએ તો: મચ્છુ-1 ડેમ છલકાઇ ગયો છે, મચ્છુ-2 ડેમ 33 ફૂટનો છે, તેમાં 32 ફૂટ પાણી ભરાયું છે. ડેમી-1 પણ 23 ફૂટે છલકાયો છે. ડેમી-2ની સપાટી 19.70 ફટૂ છે, જ્યારે તેમાં પાણી 18.70 ફૂટ છે. એક ફૂટ બાકી છે. ઘોડાધ્રોઇ ડેમની સપાટી 17 ફૂટ અને પાણી 16 ફૂટ આવી ગયું છે. તેને પણ એક ફૂટ બાકી છે. બંગાવડીમાં 5.30 ફૂટ નવું પાણી આવ્યું છે, તેની સપાટી 15.50 ફૂટે પહોંચી છે. બ્રાહ્મણી ડેમમાં 6.10 ફૂટ નવું પાણી આવ્યું છે, તેની સપાટી 19.60 ફૂટે પહોંચી છે. બ્રાહ્મણી-2 ડેમમાં 0.16 ફૂટ પાણી આવ્યું છે, સપાટી 11.80 ફૂટ થઇ છે. મચ્છુ-3માં પાણી 10.30 ફૂટ ભરાયું છે. તેની સપાટી 20.80 ફૂટ છે.

જામનગર જિલ્લાના ડેમો જોઇએ તો સપડા, ડાઇમીણસર, ડેમી-3, ફોફળ-2, ઉંડ-3 અને ગઢકી ડેમો છલકાઇ ગયા છે. એ સિવાય સસોઇ ડેમમાં 10.43 ફૂટ નવા નીર આવતા તેની સપાટી 15.40 થઇ છે. પન્ના ડેમમાં 3.02 ફૂટ પાણી આવતા સપાટી 13.50ની થઇ છે. ફુલઝર-1માં 4.99 ફૂટ નવું પાણી આવતા સપાટી 5 ફૂટે પહોંચી છે. ફુલઝર-2માં 12.07 ફૂટ પાણી આવ્યું છે. તેનો જીવંત જથ્થો 7 ફૂટનો થયો છે.

વીજરખી ડેમમાં 14.44 ફૂટ નવું પાણી આવ્યું છે તેની સપાટી 18.50 ફૂટે પહોચી છે. આજી-4માં 1.64 ફૂટ પાણી આવતા સપાટી 14.90 ફૂટે પહોંચી છે. રંગમતીમાં 18.04 ફૂટ નવું આવતા જીવંત સપાટી 13.50 ફૂટ થઇ છે. ઉંડ-1માં 14.11 ફૂટ પાણી આવતા સપાટી 22.30 ફૂટ થઇ છે. વાડીસંગમાં 8.73 ફૂટ પાણી આવતા સપાટી જીવંત સપાટી 0.70 ફૂટ થઇ છે. ફૂલઝર (કો.બા.)માં 2.79 ફૂટ નવું પાણી આવતા સપાટી 6.20 ફૂટે પહોચી છે. રૂપાવટીમાં 20.51 ફૂટ પાણી આવ્યું છે. પણ તેની જીવંત સપાટી 8.40 ફૂટ જ થઇ છે. રૂપારેલ ડેમમાં 8.86 ફૂટ નવું પાણી આવતા સપાટી 10.30 ફૂટે પહોંચી છે. ઉમિયાસાગરમાં 22.93 ફૂટ નવું પાણી આવતા જીવંત સપાટી 6.60 ફૂટે પહોંચી છે.

દ્વારકા જિલ્લાના ડેમોની સ્થિતિ જોઇએ તો: સિંધણી ડેમ ખાલી છે. સાની ડેમમાં 2.13 ફૂટ પાણી આવતા સપાટી 4.60 ફૂટ, ઘી ડેમમાં 7.61 ફૂટ નવું પાણી આવતા સપાટી 8.10 ફૂટ, વર્તુ-1 ડેમમાં 21.33 ફૂટ નવું પાણી આવ્યું છે, તેનો જીવંત જથ્થો 11.50 થયો છે. વર્તુ-2 ડેમમાં 4.76 ફૂટનો વધારો થતાં તેની સપાટી 6.40 ફૂટ થઇ છે. સોનમતી ડેમમાં 12.07 ફૂટ નવા નીર આવતા સપાટી 18.50 ફૂટે પહોંચી છે. સેઢાભાડથરીમાં 2.46 ફૂટ પાણી આવતા સપાટી 4.90 ફૂટે પહોંચી છે.

વેરાડી-1માં 4.59 ફૂટ નવું પાણી આવતા સપાટી 10.50 ફૂટ થઇ છે. કાબરકામાં 16.40 ફૂટ નવું પાણી આવ્યું છે. સપાટી 10.80 ફૂટ થઇ છે. વેરાડી-2માં 8.20 ફૂટ નવું પાણી આવતા સપાટી 14.10 ફૂટે પહોંચી છે. મીણસાર (વાનાવડ)માં 1.48 ફૂટ નવું પાણી આવતા 11.20 ફૂટની સપાટી થઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ડેમો જોઇએ તો: વઢવાણ ભોગાવો-2, ધોળીધજા, મોરસલ, સબૂરી, ધારી, ત્રિવેણી-ઠાંગા ડેમો છલકાયા છે. વઢવાણ ભોગાવો (નાયકા)માં 3.08 ફૂટ નવું પાણી આવતા સપાટી 17 ફૂટે પહોચી છે. લીંબડી ભોગાવો - 1માં 10.39 ફૂટ નવું પાણી આવતા 20 ફૂટના આ ડેમની સપાટી 19.90 ફૂટની થઇ ગઇ છે. ફલકુ ડેમમાં 2.30 ફૂટ નવું પાણી આવતા સપાટી 11.30 ફૂટે પહોંચી છે. વાંસલ ડેમમાં 3.61 ફૂટ નવું પાણી આવતા સપાટી 6.90 ફૂટ થઇ છે. લીંબડી ભોગાવો - 2 વડોદમાં 3.94 ફૂટ નવું પાણી આવતા સપાટી 8 ફૂટે પહોંચી છે. નિંભણીમાં 10.83 ફૂટ પાણી આવતા તેનો જીવંત જથ્થો 4.60 ઉપર પહોંચ્યો છે.

અમરેલી જિલ્લાનાં 25 ફૂટની સંગ્રહ શક્તિ ધરાવતો સાંકરોલી ડેમ ખાલીખમ છે. જ્યારે પોરબંદર જિલ્લાના સોરઠી ડેમમાં 4.59 ફૂટ નવું પાણી આવતા તેની સપાટી 11.60 ફૂટ થઇ છે.

ભાવનગર: જિલ્લાના ચાર તાલુકામાં આજે ઝાપટાંથી અડધો ઈંચ વરસાદ પડયો હતો. પાલિતાણામાં 11, ઘોઘામાં 3 મીમી, જેસરમાં 8 મીમી વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં માત્ર ઠંડો પવન ફૂંકાયો હતો.

કોડિનાર: શહેર તથા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 2।।  ઈંચ વરસાદ નોંધાતા કુલ 29 ઈંચ વરસાદ થયો છે. હજુ પણ ઝરમર સ્વરૂપે વરસાદ ચાલુ છે.

ખંભાળિયા: આજે ત્રુટક ત્રુટક વરસાદ પડયો હતો. ઝાપટા સ્વરૂપે માત્ર બે ઈંચ પાણી વરસ્યું છે. ડેમમાં નવા નીર આવતા રવિવારની રજાનો લાભ લઈ લોકો ઉમટી પડયાં હતાં. જિલ્લામાં સાર્વત્રિક હળવા-ભારે ઝાપટા સ્વરૂપે ભાણવડમાં 6 અને દ્વારકા તાલુકામાં 8 મીમી પાણી પડયું હતું.

ધોરાજી: ગઈકાલે દિવસ દરમિયાન હળવા ઝાપટા વરસ્યાં બાદ આજે રાત્રિના સમયે ધીમીધારે સતત વરસતા વરસાદમાં 24 કલાકમાં 2।। ઈંચ પાણી વરસી ગયું છે. સીઝનનો કુલ 13 ઈંચથી વધુ થયો છે. આ સમયસરના વરસાદથી ખેડૂતમાં આનંદની લાગણી પ્રસરી છે.

જામનગર: જિલ્લાના જોડિયા ખાતે ગઈકાલે સવા છ ઈંચ વરસાદ વરસ્યાં બાદ ગતરાત્રે વધુ 4।। ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગર શહેર, ધ્રોલ, જામજોધપુરમાં અડધો ઈંચ વરસાદ પડયો છે.

ઉના: શુક્રવારની રાતથી ધીમીધારે શરૂ થયેલો વરસાદ શનિવાર રાત્રે પણ ચાલુ હતો અને રવિવાર બપોર સુધીમાં 1 ઈંચ પડી જતાં બે દિવસનો 4 ઈંચ વરસાદ થયો છે. પાકને જીવતદાન આપતો આ ધીમીધારનો વરસાદ જમીનમાં ઉતરતા તળ સાજાં થયા છે. ગીરગઢડા પંથકના ગામોમાં બે ઈંચ વરસાદ થયો છે.

જૂનાગઢ: સારા વરસાદની રાહ જોઈ રહેલાં સોરઠવાસીઓને માત્ર અડધા ઈંચથી દોઢેક ઈંચથી સંતોષ માનવો પડે છે. આજે વિસાવદરમાં એક, માળિયા, ભેંસાણ, મેંદરડામાં અડધો ઈંચ તથા જૂનાગઢ, વંથલી, માણાવદરમાં હળવા ઝાપટાં પડયા હતા.

ટંકારા: આજ સવારથી મેઘરાજાએ વિરામ લીધો હતો. થોડો સમય ઉઘાડ સાથે સારો તડકો નિકળતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે.

ડોળાસા: ડોળાસા આસપાસના ગામોમાં 16મીએ મધરાત્રિથી આજ દિવસ દરમિયાન 65 મીમી વરસાદ થયો છે. અહીંની તમામ નદીઓમાં પૂર આવ્યા છે. છેલ્લા બે દિવસમાં 178 મીમી વરસાદ થયો હોય પાંચ પીપળવા ડેમ બીજી વખત ઓવરફલો થયો છે. વાવણી બાદ સારો વરસાદ પડતા મોલાત સોળેકળાએ ખિલી છે.

વઢવાણ: ઝાલાવાડ પર આજે મેઘરાજાએ વિરામ લીધો હતો. સાયલા, વઢવાણમાં 6 મીમી, લખતર 17 મીમી તથા ધ્રાંગધ્રામાં 5 મીમી પાણી વરસ્યાના અહેવાલ છે.

મોરબી: જિલ્લામાં બીજા દિવસે મેઘરાજા મહેરબાન રહેતા ગતરાત્રિથી સવાર સુધીમાં વધુ 3 ઈંચ શહેરમાં પડયો છે. આ વરસાદથી મચ્છુ-2 ડેમમાં આવક વધતા 6 દરવાજા 3 ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. મચ્છુ-3ના 7 દરવાજા  2 ફૂટ ખુલ્લા છે. આ ડેમના હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે. હળવદ, વાંકાનેર, માળિયામાં ઝાપટા જ્યારે ટંકારામાં 14 મીમી વરસાદ નોંધાયો છે.

રાજકોટ: શહેરમાં આજે 2 થી 8 મીમી વરસાદ ઝાપટાં સ્વરૂપે વરસ્યો હતો. જેમાં 8 મીમી કાલાવડ રોડ વિસ્તારનો છે.

જ્યારે તાલુકા મથકોએથી મી.મી.માં મળેલાં આંકડાઓમાં ધોરાજી-6, ગોંડલ-5, જસદણ-6, જેતપુર-6, પડધરી-6 મીમી અને કોટડા સાંગાણીમાં એક ઈંચનો સમાવેશ થાય છે.

કોંઝા ગામના તણાયેલા બાઇકચાલકનો મૃતદેહ મળ્યો

જામનગર, તા.17: તાલુકાના કોંઝા ગામના ભૂપત ધીરૂભાઇ ચૌહાણ નામના યુવાન બાઇક સ્લીપ થતાં ધસમસતા વોંકળામાં ફંગોળાયો હતો. વરસાદી પૂરમાં તણાઇ ગયેલાં આ યુવાનની શોધખોળ દરમિયાન તેની લાશ એનડીઆરએફની ટીમને મળી આવી હતી.

કયાં-કેટલું પાણી ભરાયું?

રાજકોટના 25 ડેમોની કુલ ક્ષમતા 21,446 મીટર કયુબીક ફૂટ છે. આ પૈકી હજી માત્ર 3752 મીટર કયુબીક ફૂટ પાણી ભરાયું છે. 17,695 મીટર કયુબીક ફૂટ ખાલી છે.

મોરબી જિલ્લાના 9 ડેમોની ક્ષમતા 10,631 મીટર કયુબીક ફૂટ છે, તેમાં 8351 મીટર કયુબીક ફૂટ પાણી ભરાયા છે, 2280 મીટર કયુબીક ફૂટ ખાલી છે.

જામનગર જિલ્લાના 21 ડેમોની ક્ષમતા 10,842 મીટર કયુબીક ફૂટ છે, તેમાં 5533 મીટર કયુબીક ફૂટ પાણી ભરાયા છે. 5309 મીટર કયુબીક ફૂટ બાકી છે.

દ્વારકા જિલ્લાના 12 ડેમોની ક્ષમતા 5115 મીટર કયુબીક ફૂટ છે, તેમાં માત્ર 1072 મીટર કયુબીક ફૂટ પાણી ભરાયા છે. 4043 મીટર કયુબીક ફૂટ બાકી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના 11 ડેમોમાં 3844 મીટર કયુબીક ફૂટ ક્ષમતા છે. તે સામે 2653 મીટર કયુબીક ફૂટ ભરાઇ ગયું છે. 1191 મીટર કયુબીક ફૂટ બાકી છે.

ક્યાં, કેટલો વરસાદ

લખતર-0।।।

મોરબી-3

ટંકારા-0।।

ડોળાસા-2।।

વિસાવદર-1

માળિયા-0।।

ભેંસાણ-0।।

મેંદરડા-0।।

જોડિયા-4।।

ઉના-1

ગીરગઢડા-2

ધોરાજી-2।।

ખંભાળિયા-2

પાલિતાણા-0।।

કોડિનાર-2।।

કોટડા સાંગાણી-1

 

દરિયાની ખાડીમાં ડૂબી ગયેલા યુવાનની 20 કલાકે લાશ મળી

ઉના, તા. 16: ઉનાના ઓલવાણા ગામ પાસેની દરિયાની ખાડીમાં ડૂબી ગયેલા 22 વર્ષના જગદીશ નારણભાઇ દમણિયાની લાશ 20 કલાકના અંતે મળી હતી.

ગઇકાલે મૃતક જગદીશ તેના મિત્રો ખાણના મનુભાઇ ભીખાભાઇ દમણિયા અને જગાભાઇ ઓલવાણ ગામ પાસેની દરિયાની ખાડીમાં માછલા પકડવા ગયા હતાં. ત્યારે જગદીશ ખાડીમાં ડૂબી ગયો હતો. દરિયાના કરંટના કારણે ખાડીમાં પાણી હોવા છતાં તરવૈયાઓએ તેની શોધખોળ કરી હતી.પરંતુ ભાળ મળી ન હતી. આજે બપોરે પાણી ઓછું થતાં ફરીથી શોધ કરતાં 20 કલાકના અંતે તેની લાશ મળી આવી હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં અવી હતી. પીએસઆઇ ડી.આર. પઢેરિયાએ વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક જગદીશના બે માસ પહેલા જ લગ્ન થયા હતાં. તેના મૃત્યુના કારણે પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી.