સૌરાષ્ટ્રમાં આજથી મેળે મેળે હૈયાં હિલોળે ચડશે
સૌરાષ્ટ્રમાં આજથી મેળે મેળે હૈયાં હિલોળે ચડશે સૌરાષ્ટ્રમાં આજથી રજા અને મજાનો માહોલ: રાજકોટમાં પાંચ દિવસ વાઇબ્રન્ટ મેળાની જમાવટ

 

રાજકોટ, તા.12: સૌરાષ્ટ્રમાં જામનગર, જૂનાગઢ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં ભાતીગળ મેળાઓનો માહોલ આવતીકાલથી શરૂ થવાની સાથે આગામી સાતેક દિવસ સુધી મેળે મેળે હૈયા હિલોળે ચડશે.આ સિવાય ખાનગીમેળાઓ  પણ પંદરેક દિવસ સુધી ચાલશે. રવિવારની રજા સાથે માત્ર એક દિવસ સાતમનો સોમવારે કચેરીઓ ચાલુ રહેશે, એ પછી પંદરમી ઓગસ્ટની રજા છે તો તા.17 મીએ સંવત્સરીની રજા છે, આમ લગભગ એકાદ અઠાવાડિયા સુધી રજા અને મજાનો માહોલ જામશે.

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના પાંચ દિવસીય વાયબ્રન્ટ મેળાના આવતીકાલ રાજ્ય સરકારના  કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ખૂલ્લો મૂકશે.  એ પૂર્વે આજે સાંજ સુધીમાં હળવાં વરસાદી ઝાપટાંઓ વચ્ચે મેળાના મેદાનમાં મોરમ પાથરવામાં આવી હતી. રાજકોટમાં ખાણીપીણી, યાંત્રિક રાઈડ્સ, રમકડાંના સ્ટોલ મળી કુલ 321 પ્લોટ ફાળવવામાં આવ્યા છે, મેળાનો રૂ.ચાર કરોડનું વીમાકવચ પણ લેવામાં આવ્યુ છે.

લોકમેળામાં વિશેષ યુવાપેઢીને આકર્ષવા એરપોર્ટ તરફ જતાં રસ્તા પર આવેલા ગેઈટ પાસે સેલ્ફી ઝોન ઉભો કરવામાં આવ્યો છે, આ સેલ્ફીઝોન પર કરાયેલી કલીક ઝડપથી રાજકોટના મેળાના ગ્લોબલ બનાવી દેશે.

સેલ્ફીઝોનને થ્રીડીની ઈમેજ  આપવામાં આવી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની આ થ્રીડી ઈમેજ સાથે પ્રિન્ટ પણ મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

યાંત્રિક પ્લોટની હરાજી  દ્વારા આ વખતે લોકમેળા સમિતિને રૂ.1,11,11,111 ની આવક થઈ છે,        આ વર્ષે વરસાદ પણ સારો થઈ ગયો છે એટલે લીલાલહેર છે, પરંતુ સ્વાઈન ફ્લૂની દહેસત છે, તેની સામે આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર તેમજ રાજકોટ મહાનગરપાલિકાએ વિશેષ પગલાં લઈ મેળાના સ્થળે ઉકાળા મળે તેવું આયોજન ર્ક્યુ છે.

યાંત્રિક રાઈડસ વાળાઓ પાસેથી જીએસટી પેટેની રકમ વહીવટીતંત્ર ઉઘરાવી સરકારમાં જમા કરાવશે

રાજકોટ: રાજકોટના લોકમેળામાં યાંત્રિક રાઈડ્સવાળાઓ પાસેથી આ વરસે મનોરંજન કર ઉઘરાવવાનો થતો નથી, બધા કરને જીએસટીમાં સમાવી લેવાયા છે, જેમાં મનોરંજન કરનો પણ સમાવેશ થતો હોય, આ વરસે મનોરંજન કરના બદલે જીએસટીની રકમ કોણ ઉઘરાવે અથવા કોની જવાબદારી ગણાય ? એ પ્રશ્ન હતો પરંતુ જીએસટી પેટે રકમ ઉઘરાવી વહીવટીતંત્ર જ આ રકમ સરકારમાં જમા કરાવશે તેમ વર્તુળોમાંથી જાણવા મળશે.

અમરેલીમાં બે લોકમેળા ખુલ્લા મુકાયા

અમરેલીમાં બે લોકમેળાનું આયોજન છે જેમાં નૂતન હાઈસ્કૂલ-ચિતલ રોડ ખાતે લાયન્સ કલબ ઓફ અમરેલી દ્વારા તેમજ સારહી યુથ કલબ દ્વારા આ વર્ષે ફોરવર્ડ સ્કૂલના પટાંગણના બદલે જીમખાના ગ્રાઉન્ડ એસ.ટી.ડેપો સામે લોકમેળા  ખુલ્લા મુકવામાં આવ્યા છે.  લાયન્સ કલબ તેમજ સારહી ગ્રુપ દ્વારા લોકમેળામાંથી થતી આવક સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવામાં આવે છે. વરસાદ વેરી નહીં બને તો લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડશે.

પોરબંદરના મેળાનો સોમવારથી પ્રારંભ: છ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો

પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે સોમવારથી છ દિવસીય લોકમેળાનું આયોજન થયું છે. પાલિકા આયોજિત આ મેળાનો સોમવારે સાંજે 6:00 કલાકે કેબિનેટમંત્રીની સાથે પોરબંદર પોરબંદર એસ.પી.તરૂણ દુગ્ગલ, નિવાસી નાયબ કલેક્ટર મહેશ જોશી, પ્રાંત અધિકારી બાટી, પાલિકાના ચીફ ઓફિસર રૂદ્રેશ હુદડ, પ્રમુખ ભારતીબહેન મોદી, ઉપપ્રમુખ સરજુભાઈ કારિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

આ વર્ષે સોમવાર તા.14ના પ્રથમ દિવસે લીઓ-પાયોનિયર ક્લબ આયોજિત ડાન્સ, 15 તારીખ જયેશ હિંગળાજિયાના દેશભક્તિ કાર્યક્રમ સાથે કરાટેના સ્ટંટ અને લોકલ મ્યુઝિક પાર્ટી, તા.16ના નિધિ ધોળકિયા અને નીતિન દેવકાની શ્રીનાથજી ઝાંખી, તા.17ના ગુણવંત ચુડાસમા અને જીતુભાઈ દ્વારકાવાળાનો હાસ્ય દરબાર, તા.18ના ચાર-ચાર બંગડીવાળી કિંજલ દવેનો સંગીત પ્રોગ્રામ અને તા.19ના સોનલ ગઢવી અને ટીમ દ્વારા ડાયરા પ્રોગ્રામનું આયોજન થયું છે.

ખંભાળિયા : સાતમ આઠમના તહેવારોની મૌસમ ખીલતા ખંભાળિયાની બજારોમાં ખરીદી કરવા માટે ઘરાકીનો માહોલ જામતા મુખ્ય બજારોમાં ગીચ મેદની જોવા મળે છે. શાળાઓથી લઇ તમામ કચેરીઓ સહિતની જગ્યાએ સાતમ-આઠમના પર્વે મિની વેકેશન જેટલી રજાઓ મળતા લોકો આ તહેવારને માણવાની તૈયારી કરી લીધી છે.

મોરબીમાં ‘િક્રષ્ના ઉત્સવ મેલા-2017’ને વિવિધ જ્ઞાતિની બાળાઓએ ખૂલ્લો મૂક્યો

મોરબી તા.12 : મોરબીના યંગ ઈન્ડિયા ગ્રૃપ દ્વારા અત્રેના કંડલા બાયપાસ રોડ પર ક્રિષ્ના ઉત્સવ મેલા-2017નું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્દઘાટન હિન્દુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ સર્વધર્મની બાળાઓના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલ, બગથળા મહંત દામજી ભગત સહિત શહેરના આગેવાનો-અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. યંગ ઈન્ડિયા ગ્રૃપના દેવેનભાઈ રબાઈ અને તેમની ટીમ દ્વારા આ મેળો કોઈ ધંધાકીય લાભ માટે નહીં પરંતુ મોરબી જિલ્લાની પ્રજાના મનોરંજન માટે હોવાનું અને તેમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવતો હોવાનું જણાવ્યું હતું.