શેર બજાર ઢેર : સપ્તાહમાં 5.55 લાખ કરોડનું ધોવાણ
શેર બજાર ઢેર : સપ્તાહમાં 5.55 લાખ કરોડનું ધોવાણ શેરોમાં વેચવાલીનો દોર નવા અઠવાડિયે પણ ચાલુ રહેશે

રાજકોટ, તા. 12: સેબીએ 331 જેટલી લેભાગુ કંપનીઓને સસ્પેન્ડ કરી નાંખતા શેરબજારમાં ગાબડાં પડતા રોકાણકારોની રૂ. 5.55 લાખ કરોડની મૂડી પાંચ જ દિવસમાં ખંખેરાઇ ગઇ છે. અધૂરામાં પુરું કોરિયા-અમેરિકા અને ભારત-ચીન વચ્ચે યુધ્ધની પરિસ્થિતિનું નિર્માણ થતા શેરબજારમાં ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હવે શેરબજારની મંદી લાંબી ચાલે તેવો ભય સતાવવા લાગતા ખૂલતા અઠવાડિયે પણ વેચવાલીનું જોર વધશે.

નિફ્ટી અઠવાડિયાના આરંભે 10,074ના સ્તરે ખૂલીને શુક્રવારે 9,710 ઉપર બંધ થયો છે. અઠવાડિયામાં 356 પોઇન્ટ નીકળી ગયા છે. સેન્સેક્સ 32,377 ખૂલ્યો હતો પણ અંતે તો 32 હજારની સપાટી ગૂમાવી દીધી હતી. 1112 પોઇન્ટના સાપ્તાહિક ગાબડાંમાં સેન્સેક્સ છેલ્લે 31,213 હતો. છેલ્લાં પાંચ અઠવાડિયામાં સેન્સેક્સ 1403 પોઇન્ટ વધ્યો હતો. પાંચ જ દિવસમાં મોટાંભાગનો સુધારો ધોવાઇ ચૂક્યો છે.

સરકારે ગત ગુરુવારે પ્રથમ વખત અર્ધવાર્ષિક આર્થિક સર્વેક્ષણ સંસદમાં મૂક્યું હતુ. એ દેશના વિકાસ દર સામે શંકા વ્યક્ત કરનારું રહ્યું હતું. 2018ના નાણાકિય વર્ષમાં વિકાસદર 6.75થી 7.50 ટકા વચ્ચે રહેશે એવી આગાહી થતા રોકાણકારો પર નકારાત્મક અસર પડી હતી. સેબીની 331 કંપનીઓ સામે સસ્પેન્સનની કાર્યવાહીથી શેરબજારનું માનસ ખરડાઇ ગયું છે. અમેરિકા અને કોરિયા કે ભારત અને ચીન વચ્ચે જે ઘટમાળ ચાલી રહી છે તેની અસર કદાચ ઓછી છે એમ એક વિશ્લેષકે કહ્યું હતુ.

ફોરેન પોર્ટફોલિટો ઇન્વેસ્ટર અને ફોરેન ઇન્સ્ટીટયુશનલ ઇન્વેસ્ટરોએ રૂ. 1624 કરોડના શેરો અઠવાડિયા દરમિયાન વેંચી નાંખ્યા હતા.

નકારાત્મક કારણો શેરબજારમાં ફરીવળ્યા છે એટલે પ્રત્યાઘાતી ઉછાળા વચ્ચે વેચવાલીનો દોર ચાલુ રહેવાની ધારણા છે. જોકે શેરબજાર માટે હકારાત્મક ગણાય એવું મહત્વનું કારણ શુક્રવારે સામે આવ્યું છે. અમેરિકામાં ફુગાવાનો દર અપેક્ષા કરતા ઓછો વધ્યો છે. તેના કારણે ફેડ વ્યાજદરમાં તત્કાળ વધારો કરે તેમ નથી. જે શેરબજારો માટે ઇંધણરુપ સાબિત થઇ શકે છે. બીજું ગત શુક્રવારે કોચીન શીપયાર્ડનું લિસ્ટીંગ નકારાત્મક વાતાવરણમાં પણ 22 ટકા પ્રિમિયમ સાથે થયું છે એ રોકાણકારોનું સેન્ટિમેન્ટ સાવ ખરડાયું નથી એ સૂચવે છે, કારણ કે આ આઇપીઓ લિસ્ટ થતા પ્રથમ દિવસે જ બાયર સર્કિટ લાગી ગઇ હતી !