દ્વારકાધિશ મંદિરના પરિસરમાં ખોદકામ દરમિયાન 14મી સદીનું ભોયરું મળી આવ્યું !
દ્વારકાધિશ મંદિરના પરિસરમાં ખોદકામ દરમિયાન 14મી સદીનું ભોયરું મળી આવ્યું ! મંદિર પરિસરના ફ્લોરનું નવિનીકરણ ચાલી રહ્યું છે

દ્વારકા, તા. 13 : દ્વારકાધિશ મંદિર પરિસરમાં પુરાતત્વ વિભાગ દ્વારા અઢી હજાર ચોરસ મીટરના ક્ષેત્રફળમાં નવનિર્માણની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં ફ્લોરના ચાલુ થયેલા કામના ખોદકામ દરમિયાન પુરાતત્વ ખાતાને 14મી સદીનું ભોયરું મળી આવતાં ભારે આશ્ચર્ય સર્જાયું છે.

ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આજે દ્વારકા મંદિર પરિસરના ફ્લોરીંગના નવનિર્માણની કામગીરીનો આરંભ થયો હતો. આ કામગીરી દરમિયાન પટરાણી મંદિર-શારદામઠ પાસે ખોદકામ દરમિયાન આશરે 20 ફૂટની લંબાઈ અને અઢી ફૂટની પહોળાઈ ધરાવતું ભોયરું મળી આવ્યું હતું. આ ભોયરાંનું નિર્માણકામ 14મી સદીમાં થયાનું અનુમાન છે. આ ભોયરું પાણી કે અનાજના સંગ્રહ માટે એ સમયે બનાવવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તારણ છે. જો કે આ બાબતે પુરાતત્વ વિભાગે મૌન સેવ્યું છે. અલબત્ત, મંદિર પરિસરમાં અન્ય જગ્યાઓએ પણ આવી વ્યવસ્થાઓ રાખવામાં આવી હોય તેવી શક્યતા છે. આ ભોયરાંનો ઊંડો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. અભ્યાસ બાદ જ સાચું તારણ કાઢવામાં આવશે.