જૂનાગઢ કલેકટરને પાકવીમાની મામૂલી રકમના 100 ચેક પરત કરતા જવાહરભાઇ
ઇતિહાસમાં પ્રથમ વખત વળતર સુપ્રત કરવાની ઘટના

જૂનાગઢ, તા. 13: પાકવીમામાં મશ્કરીરૂપી સહાય સામે કિસાનો રોષે ભરાયા છે. આજે ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાની આગેવાની હેઠળ એકસો ખેડૂતોએ મામૂલી રકમની વળતરના ચેક જિલ્લા કલેકટરને પરત કર્યા હતાં. જૂનાગઢ જિલ્લામાં પાકવીમાની વિસંગતતાભરી મામુલી આકારણી કરી તેનું વળતર ચૂકવવામાં આવ્યું હતુ. આ નજીવા વળતરથી કિસાનોમાં રોષ ભભૂકયો હતો અને ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાની આગેવાનીમાં મેંદરડા, વંથલી બાદ માણાવદરમાં ખેડૂત જન આક્રોશ સંમેલનો યોજાયા હતા.

આ સંમેલનમાં કિસાનોએ વળતરની રકમ વડાપ્રધાનને પરત કરવાની પ્રતિજ્ઞા જાહેર કરી હતી. તે અંતર્ગત આજે સવારે ધારાસભ્ય જવાહરભાઇની આગેવાનીમાં કિસાનો દ્વારા રૂ. 80 હજારના એકસો ચેક જિલ્લા કલેકટરને પરત કરાયા હતા.

સામાન્ય રીતે કોઇપણ ક્ષેત્રે વળતર મેળવવા પડાપડી અને ભલામણોનો દોર વહે છે. ત્યારે કિસાનો વળતર પરત કરે તે સૌ કોઇ માટે આશ્ચર્ય સમાન છે.