આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે નિર્ણાયક ટી-20 મેચ
આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે નિર્ણાયક ટી-20 મેચ બન્ને ટીમ ત્રીજો અને આખરી ટી-20 મેચ જીતી
શ્રેણી કબજે કરવા મેદાને પડશે : વરસાદની વકી
 
હૈદરાબાદ, તા.12: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચોનો ત્રીજો અને નિર્ણાયક ટી-20 મેચ શુક્રવારે અહીંના રાજીવ ગાંધી સ્ટેડિયમ પર રમાશે. આ મેચ પર પણ વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે. ભારતે પહેલો મેચ નવ વિકેટે જીતી લીધો હતો. બીજા મેચમાં કાંગારૂ ટીમે વાપસી કરીને આઠ વિકેટે જીત મેળવી હતી. આથી ત્રણ મેચની ટી-20 શ્રેણી હાલ 1-1ની બરાબરી પર છે. આથી બન્ને ટીમ શ્રેણી વિજયના લક્ષ્યાંક સાથે મેદાને પડશે. ઓસ્ટ્રેલિયાની પૂરો કોશિશ રહેશે કે આ મેચ જીતીને ભારતના પ્રવાસનો વિજય સાથે અંત કરે અને ભારત સામે મળેલ વન ડે શ્રેણીની હારનો હિસાબ પણ ચૂકતે કરે. બીજી તરફ કોહલીસેના બીજા મેચની હારને ભૂલીને ફરી વિજયક્રમ પર વાપસી કરવા અને શ્રેણી કબજે કરવા મેદાને પડશે. મેચ સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે.
ગુવાહાટીમાં રમાયેલ બીજા ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયા ફોર્મમાંથી ભટકી ગઇ હતી. આથી તેને આઠ વિકેટે કારમી હાર સહન કરવી પડી હતી. ભારતીય બેટધરોએ બેજવાબદારીથી રમીને વિકેટ ગુમાવી, કોઇએ પિચના મિજાજને સમજવાની કોશિશ કરી નહીં. કાંગારૂ નવોદિત ઝડપી બોલર બેહરેનડોફે પહેલા ચાર બેટધરની વિકેટ લઇને ભારતીય બેટિંગ હરોળની કરોડરજ્જુ તોડી નાંખી હતી. ભારતીય ટીમ આ ભુલમાંથી બહાર આવીને ત્રીજા મેચમાં ફરી ફોર્મમાં આવવાના પ્રયાસમાં રહેશે. ભારતીય ઇલેવનમાં મનીષ પાંડેના સ્થાને કેએલ રાહુલને તક મળી શકે છે. નેહરા નિવૃત્તિ જાહેર કરી ચૂકયો છે. તેને કિવિ સામેના પહેલા ટી-20 મેચ માટે અકબંધ રાખશે તેવા રિપોર્ટ છે. બીજી તરફ કાંગારૂ ટીમ તેની બીજા મેચની વિજયી ઇલેવન સાથે પ્રયોગ ટાળવાનું પસંદ કરશે.
આ શ્રેણીની ખાસ વાત એ રહી છે કે પહેલા મેચમાં ઓસ્ટ્રેલિયાએ 118 રન બનાવ્યા હતા. તો બીજા મેચમાં ભારતે પણ 118 રન કર્યાં હતા. ફટાફટ ક્રિકેટના અનેક મહારથી બન્ને ટીમ પાસે છે. આમ છતાં આટલો ઓછો સ્કોર જોવો આશ્ચર્યજનક છે.