ભારતની અન્ડર-17 વર્લ્ડ કપની સફર સમાપ્ત
ભારતની અન્ડર-17 વર્લ્ડ કપની સફર સમાપ્ત ભારતને 4-0 ગોલથી હાર આપી ઘાનાની આગેકૂચ
પરાગ્વેનો સતત ત્રીજો વિજય: માલી રાઉન્ડ-16માં
કોલંબિયાએ અમેરિકાને 3-1થી હાર આપી
નવી દિલ્હી/નવી મુંબઇ તા.12:  ફીફા અન્ડર17 ફૂટબોલ વર્લ્ડ કપમાં ભારતની સફર સમાપ્ત થઇ ગઇ છે. ગ્રુપ એના આજના મેચમાં બે વખતની ચેમ્પિયન ઘાનાની ટીમનો ભારત સામે 4-0  ગોલથી વિજય થયો હતો. ભારતીય યુવા ટીમની આ સતત ત્રીજી હાર છે. પહેલા મેચમાં યૂએસએ સામે 0-3થી અને બીજા મેચમાં કોલંબિયા સામે 1-2થી હાર મળી હતી. આથી તેના માટે રાઉન્ડ-16ના દરવાજા બંધ થઇ ગયા છે. બીજી તરફ ઘાનાએ ભારત સામે જીત મેળવીને બીજા રાઉન્ડમાં જગ્યા પાકી કરી છે. આજના મેચમાં ઘાના તરફથી 43મી, પ2મી, 86મી અને 87મી મિનિટે ગોલ થયા હતા. જયારે કોલંબિયાએ અમેરિકાને 3-1થી હાર આપીને તેની આશા જીવંત રાખી હતી.
આ પહેલા આજે ગ્રુપ બીના પહેલા મેચમાં પરાગ્વેએ સતત ત્રીજી જીત મેળવીને તેના ગ્રુપમાં ટોચ પર રહીને રાઉન્ડ-16માં જગ્યા બનાવી છે. પરાગ્વેએ આજના મેચમાં તૂર્કિને 3-1 ગોલથી હાર આપી હતી. તૂર્કિ માટે હવે બીજા રાઉન્ડમાં પહોંચવું અન્ય ટીમનો સ્થિતિ પર નિર્ભર રહેશે. તેને બે મેચમાં હાર મળી છે અને એક મેચ ડ્રો રહયો છે. આજના મેચમાં પરાગ્વે તરફથી 41મી, 43મી અને 61મી મિનિટે ગોલ થયા હતા. જયારે તૂર્કિએ એકમાત્ર ગોલ મેચની અંતિમ મિનિટે કર્યો હતો.
આજ ગ્રુપના બીજા મેચમાં માલીએ ન્યુઝીલેન્ડ સામે 3-1 ગોલથી વિજય મેળવીને રાઉન્ડ-16ની ટિકિટ બૂક કરી છે. આ સામે કિવિ ટીમ લગભગ બહાર થઇ ગઇ છે. માલીએ 18મી, પ0મી અને 82મી મિનિટે ગોલ કર્યાં હતા. ન્યુઝીલેન્ડે એકમાત્ર ગોલ 72મી મિનિટે કર્યો હતો.