વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16-17ના બે દિવસ ગુજરાતના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16-17ના બે દિવસ ગુજરાતના પ્રવાસે ગાંધીનગર પાસે ભાજપના પેઈજ પ્રમુખોનું મહાસંમેલન : ઘોઘા-દહેજ ફેરીનું લોકાર્પણ કરશે

રાજકોટ, તા. 12 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ ગુજરાતના પ્રવાસે હતા અને દ્વારકા, ચોટીલા, વડનગર, ભરૂચ વગેરે સ્થળોએ 10 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યા બાદ ફરી તા.16 અને તા.17મી એમ બે દિવસ ગુજરાતમાં આવી રહ્યા છે. તા.16મીનો કાર્યક્રમ તો ફાઈનલ છે પણ તા.17મીએ ભાવનગર નજીક ઘોઘા-દહેજ ફેરીનું લોકાર્પણ કરે તેવી સંભાવના સાથે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.16 અને તા.17 એમ બે દિવસ ગુજરાત આવી રહ્યા છે. તા.16મીને સોમવારનો એમનો કાર્યક્રમ નક્કી જ છે. એ દિવસે ગાંધીનગરના ભાટ ગામે તેઓ ભાજપના પાંચ લાખ પેઈજ પ્રમુખોને સંબોધન કરશે. આ કાર્યક્રમ ભાજપ માટે મહત્વનો ગણાવાઈ રહ્યો છે. એવી રીતે તા.17મીએ ભાવનગર નજીકના ઘોઘામાં પણ તેઓ ઘોઘા-દહેજ ફેરી સર્વિસનું લોકાર્પણ કરવા આવે તેવી પ્રબળ સંભાવના છે. કારણ કે અત્યારથી તંત્રને તડામાર તૈયારીઓ કરવાનું કહેવામાં આવ્યું છે.