આજે પુષ્ય નક્ષત્ર : સોની બજારની રોનક વધશે ?
આજે પુષ્ય નક્ષત્ર : સોની બજારની રોનક વધશે ? રાજકોટ, તા. 12 : પુષ્ય નક્ષત્ર અને સોનાની ખરીદી એક સિક્કાની બે બાજુ જેવા છે. નોટબંધી અને જીએસટી પછી લોકો પ્રાસંગિક ખરીદી જ કરી રહ્યા છે એટલે બજારની રોનક ઘટી ગઇ છે. જોકે આવતીકાલે પુષ્ય નક્ષત્રના મુહૂર્તમાં સોની બજારમાં ઝળહળાં પથરાય એવી આશા છે.
ગયા વર્ષે નોટબંધી પછી સોનાની ગીની-ઝવેરાતનો વેપાર વધ્યો હતો. જોકે પછી જીએસટીના 3 ટકાના દરે ઘરાકી પીંખી નાંખી છે. દશેરા અને નોરતાની માગ ધીમી રહ્યા પછી હવે દિવાળીની માગ શરૂ થશે. પહેલું મુહૂર્ત પુષ્ય નક્ષત્રનું આવી રહ્યું છે. સામાન્ય રીતે લોકો પુષ્ય નક્ષત્ર, ધનતેરસ અને દિવાળી સુધી સોનું ખરીદતા હોય છે. આવતીકાલ માટે સોની બજારમાં કોઇ મોટાં ઓર્ડરો આવ્યા નથી એટલે લોકો સીધાં જ બજારમાં નાની મોટી ખરીદી કરવા પહોંચશે.
પેલેસ રોડ પરના એક શોરૂમધારક કહે છે, સરકારનો પાન કાર્ડનો નિયમ અને કેવાયસીની પ્રક્રિયા, લાંબા સમય સુધી માગનો અભાવ વગેરેને કારણે કારીગરો નવરાધૂપ થઇ ગયા છે. એટલે બજારમાં ઘરાકી વધે તો પણ રાહત જેવી સ્થિતિ સર્જાશે. દિવાળીએ કર્મચારીઓને બોનસ વગેરે ચૂકવવાના હોવાથી રોનક વધે તો પણ તેની અસર ફિક્કી રહે છે.
લગ્નસરાની માગ આખું વરસ રહે ખરી પણ તેની સામે રોજબરોજના ખર્ચ અને પરસ્પરની હરીફાઇએ હવે ધંધો પીંખી નાંખ્યો છે. સામાન્ય કરતા 20-25 ટકા જ ઘરાકી સોની બજારમાં રહી છે. બીજી તરફ હવે કોર્પોરેટ ઝવેરીઓને ત્યાં સ્કીમને કારણે લોકો વધુ જાય છે. શો રુમોમાં ટ્રાફિક પણ વધારે હોય છે.
સોની બજારના વેપારીઓએ 10 હજારની ખરીદી પર ક્રેચ કૂપન અને 10 ગ્રામે 500-1500 રૂપિયા સુધીનું વળતર મજૂરીમાં જાહેર કર્યું છે. ત્યારે હવે આવતીકાલે ઘરાકી કેવી રહે છે તેના પર સૌની નજર છે.