હાર્દિક પટેલને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મૂકયો
હાર્દિક પટેલને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મૂકયો રાજકોટ, તા. 12: રાષ્ટ્ર ધ્વજના અપમાન કરવાના આરોપસર પકડાયેલા પાસના કન્વીનર હાર્દિક ભરતભાઇ પટેલને છોડી મૂકવા કલેકટર દ્વારા રજુ કરાયેલી દરખાસ્ત મંજુર કરીને પડધરીના મેજીસ્ટ્રેટે નિર્દોષ ઠરાવીને છોડી મૂકવા હુકમ કર્યો હતો.
બે વર્ષ પહેલા તા.18-10-15ના રોજ ખંઢેરી સ્ટેડિયમમાં યોજાયેલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના ક્રિકેટ મેચમાં પાટીદાર અનામત આંદોલન અંગે દેખાવ કરવા ગામડિયાના વેશમાં આવેલા હાર્દિક પટેલ ન્યારા ગામના પાટિયા પાસેથી રાષ્ટ્ર ધ્વજ સાથે પોલીસે ઝડપી લીધો હતો.બાદમાં તેની સામે રાષ્ટ્ર ધ્વજનું અપમાન કરવાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી.તેની સામે પડધરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.હાર્દિક પટેલ તરફથી વકીલ તરીકે સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી વગેરે રોકાયા હતાં. આ કેસ ચાલવા પર આવતા 15 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. દરમિયાન રાજય સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ અને કાર્યકરો સામેના કેસ પાછા ખેંચી લેવા નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયના ભાગરૂપે રાજકોટ કલેકટર દ્વારા હાર્દિક સામેનો કેસ પાછો ખેંચી લેવા માટે સરકારી વકીલ મારફતે પડધરી કોર્ટમાં દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.આ વીથ ડ્રો પુરશીશ ધ્યાને લઇ તે મંજૂર કરીને પડધરીના મેજીસ્ટ્રેટે હાર્દિક પટેલ નિર્દોષ ઠરાવીને છોડી મૂકવા આદેશ કર્યો હતો.